H-1B વિઝા અંગે મોટા સમાચાર: શું ડોનાલ્ડ ટ્રમ્પ મારશે યુટર્ન? આ પ્રોફેશનના લોકોને મળી શકે છે છૂટ…

ભારત અને અમેરિકા વચ્ચે પાછલા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. જ્યારે આ તણાવની આગમાં ઘીનું કામ કર્યું હતું ટ્રમ્પના H-1B વીઝાની ફિમાં વધારાએ. જેનાથી આઈટી અને તબીબી ક્ષેત્રમાં ચિંતાનુ વાતાવરણ ફેલાયું છે. આ પગલુ અમેરિકી કર્મચારીઓને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસ તરફથી મળેલા તાજેતરના સંકેતો અનુસાર, તબીબો અને મેડિકલ રેઝિડન્ટ્સને આ મોટી ફીમાંથી છૂટ મળી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રસ્તાવમાં આવી છૂટની જોગવાઈ છે. અમેરિકી તબીબી સંગઠનોએ આ ફી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, કારણ કે તે વિદેશી તબીબોના આગમનને અટકાવી શકે છે, ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં જ્યાં તબીબી સેવાઓની અછત છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે આ ફી વધારાને અમેરિકી કામદારોના હિતમાં જરૂરી સુધારો ગણાવ્યો છે. વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું કે, પહેલાની વીઝા નીતિથી ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓ અમેરિકામાં સ્થાયી થઈ જતા હતા અને સરકારી સહાય પર આધારિત બનતા હતા. આ નવા નિયમથી માત્ર અસાધારણ કુશળ વ્યાવસાયિકોને જ વીઝા મળશે, જેથી કંપનીઓ સસ્તા વિદેશી કર્મચારીઓને રાખીને અમેરિકી કામદારોને નુકસાન ન પહોંચાડે.
આ નિર્ણયની સૌથી મોટી અસર ભારત પર પડી છે, કારણ કે 71% H-1B વીઝા ધારકો ભારતીય છે અને તેમાંથી મોટા ભાગના આઈટી ક્ષેત્રમાં કાર્યરત છે. કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ, વિપ્રો, કોગ્નિઝન્ટ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ આ વીઝા પ્રોગ્રામ દ્વારા તેમના ઇજનેરોને અમેરિકા મોકલે છે.
હવે દર ત્રણ વર્ષે એક કર્મચારી માટે કરોડો રૂપિયાનો ખર્ચ વધશે, જે ભારતની 250 અરબ ડોલરની આઈટી ઉદ્યોગ માટે મોટો આંચકો છે. આ સમાચાર પછી અમેરિકામાં લિસ્ટેડ ભારતીય આઈટી કંપનીઓના શેરમાં ૨થી ૫ ટકાનો ઘટાડો થયો છે.
નિષ્ણાતો માને છે કે, જો આ નિયમો કડક રીતે અમલમાં આવશે તો ભારતીય પ્રતિભાની અમેરિકી હાજરી પર ગંભીર અસર પડશે. જોકે, ટ્રમ્પે કહ્યું છે કે, આ ફીથી અમેરિકાને 100 અરબ ડોલરથી વધુની આવક મળશે, જે રાષ્ટ્રીય દેવું ઘટાડવામાં અને કરમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે. આમ, આ પગલુ ભારતીય વ્યાવસાયિકો અને આઈટી ક્ષેત્ર માટે ચિંતાનું કારણ છે, જ્યારે અમેરિકી સરકાર તેને ઘરેલુ રોજગારી સુરક્ષિત કરવાના પગલા તરીકે જુએ છે.
આ પણ વાંચો…યુએસના H-1B વિઝા સામે ચીને રજુ કર્યા K-વીઝા! જાણો શું છે ખાસિયત