અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાતી મહિલાની હત્યા: બે મિનિટ દુકાન મોડી બંધ કરતાં ગુમાવવો પડ્યો જીવ...
Top Newsઇન્ટરનેશનલ

અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાતી મહિલાની હત્યા: બે મિનિટ દુકાન મોડી બંધ કરતાં ગુમાવવો પડ્યો જીવ…

સાઉથ કેરોલિનાઃ થોડા દિવસ પહેલા અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક દુઃખદ ઘટના બની હતી. 23 વર્ષથી રહેતા અને મૂળ બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બનાવ અંગે ચોંકાવનારી વિગત સામે આવી હતી.

મળતી વિગત પ્રમાણે, સાઉથ કેરોલિનામાં સ્ટોર ચલાવતાં મહિલનાની દુકાન સામાન્ય રીતે રાત્રે 10.30 વાગ્યે બંધ થઈ જતી હતી પરંતુ ઘટનાના દિવસે માત્ર બે મિનિટ વધુ ખુલ્લી રહી હતી.

આ બે મિનિટ તેમના મોતનું કારણ બની હતી. યુનિયન કાઉન્ટીના સાઉથ પિંકનેય સ્ટ્રીટ પર તેની કન્વીનિયન્સ સ્ટોર, ડીડીઝ ફૂડ માર્ટમાં લૂંટ દરમિયાન 49 વર્ષીય કિરણ પટેલને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પતિએ શું કહ્યું

તેના પતિ, હરીશ પટેલ મૂળ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના આશી ગામના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે, તેમની પત્નીનું મૃત્યુ માત્ર કમનસીબીનું પરિણામ હતું. તેણે માત્ર બે મિનિટનો વિલંબ કર્યો હતો. જો તેણે રાત્રે 10.30 વાગ્યે હંમેશાની જેમ દુકાન બંધ કરી દીધી હોત, તો તે આજે પણ જીવિત હોત. તેમણે જણાવ્યું કે તે રાત્રે કિરણને ઘરે લઈ જવા માટે એક કાર આવી હતી, પરંતુ તે સમયે હુમલો થયો.

કિરણ દિવસનો હિસાબ પૂરો કરી રહી હતી ત્યારે પિસ્તોલ સાથે માસ્ક પહેરેલો એક માણસ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. વીડિયોમાં તે તેને લેવા આવેલી કાર તરફ ભાગતી જોવા મળે છે, પરંતુ તે ક્યારેય ત્યાં પહોંચી શકી નહોતી. સીસીટીવી ફૂટેજ મુજબ જ્યારે ઘૂસણખોરે પૈસાની માંગણી કરી ત્યારે કિરણે તેના પર કોઈ વસ્તુ ફેંકીને પ્રતિકાર કર્યો.

તેના બદલામાં, લૂંટારો કાઉન્ટર પર ચઢી ગયો અને દુકાનની અંદર ગોળીબાર કર્યો. કિરણે ત્યાંથી ભાગી છૂટવાના પ્રયાસ કર્યો હતો. તે પાર્કિંગ તરફ ભાગી હતી પરંતુ હુમલાખોરે તેનો પીછો કર્યો અને ગોળીઓ ચલાવતો રહ્યો હતો.

સ્ટોરથી માંડ 20 ફૂટના અંતરે તે ઢળી પડી હતી. પોલીસે તેને બેભાન અવસ્થામાં શોધી કાઢી હતી અને ઘટનાસ્થળે જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે પોલીસને કિરણના શરીરમાંથી ચાર ગોળીઓ મળી હતી.

નિષ્પક્ષ તપાસની માંગ કરતા હરીશે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે અને ક્યારેય અસુરક્ષિત અનુભવ્યું નથી. અહીં કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નહોતો. પરંતુ આ ઘટનાએ મને હચમચાવી દીધો છે. હવે મને ડર અને અસલામતી અનુભવાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઘટનાની રાત વિશે તેમણે કહ્યું, રાત્રે 10.30 વાગ્યે કિરણને ફોન કર્યો હતો. તે સામાન્ય રીતે આ સમયે દુકાન બંધ કરી દેતી હતી. મેં તેને પૂછ્યું કે તે હજી કેમ કામ કરી રહી છે. તેની સાથે વાત કર્યા પછી, મેં કોલ કાપી નાખ્યો. થોડી મિનિટો પછી મને ગોળીબાર વિશે જાણ થઈ હતી.

આ પણ વાંચો…અમેરિકામાં મૂળ બોરસદના પાટીદાર મહિલાની ગોળી મારી હત્યા, ભારતીયોમાં ફફડાટ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button