ઇન્ટરનેશનલ

આતિથ્યમ પોર્ટલ બનાવનાર ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વર્ષ ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં જ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું અને આ આંકડો ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં ૨૦ લાખ સુધી પહોંચવાનો અંદાજ સત્તાવાર સૂત્રોએ મુક્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોરોના પછી ગુજરાત તરફ વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સાડા ત્રણ લાખથી વધુ વિદેશી સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો હતો તેમ જ સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવાં ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણ બની ગયા હતા. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે વર્ષ ૨૦૨૧માં માત્ર ૧૧૩૧૯ વિદેશી પ્રવાસીઓનો આંકડો જોયો હતો. તે પછી ૨૦૨૨માં સંખ્યા વધીને ૧૭.૧૭ લાખ થઇ હતી.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ ૨૦૨૨માં ૩.૬૩ લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે. એટલું જ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૩માં ૮ મહિનામાં ૩.૫૩ લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા ૧ લાખને પાર પહોંચી છે તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૧માં માત્ર ૧૧૩૧૯ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા કે જેમની સંખ્યા વર્ષ ૨૦૨૨માં ૧૭.૧૭ લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૮ મહિનામાં જ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-૨૦૨૩ સુધી વિદેશી પ્રવાસીઓનો આંકડો ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૨માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૮૫ લાખ ૯૦ હજારથી વધુ હતી કે જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૧૭.૧૭ લાખથી વધુ હતી. એટલે કે ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો ૨૦.૧૭ ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.

સમગ્ર વિશ્ર્વમાં આજે ૨૭મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્ર્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે ત્યારે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ટ્રૅિંકગ માટે આતિથ્યમ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે અને આ માહિતી એ પોર્ટલ પરથી મળી છે.

વર્તમાન વર્ષે ઓગસ્ટ સુધીમાં અમદાવાદ (હેરિટેજ સિટી)ની ૩,૫૩,૦૦૦, સાબરમતી રિવરફ્રન્ટની ૧,૦૭,૯૬૯, અંબાજી મંદિરની ૭૭,૨૨૫, સોમનાથ મંદિરની ૭૩,૧૨૧, દ્વારકા મંદિરની ૬૨,૯૧૫, કાંકરીયા લેકફ્રન્ટની ૪૮,૬૫૬, સુરત શહેરની ૪૬,૬૫૬, પાવાગઢ મંદિરની ૩૯,૯૭૧, સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની ૨૫,૨૯૧ અને ગાંધી આશ્રમની ૧૩,૮૦૦ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button