ઈજિપ્તમાં વિશ્વના સૌથી મોટા પુરાતત્વીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન; તૂતનખામુનનો સંપૂર્ણ ખજાનો એક જ છત નીચે!

ગીઝા (ઈજિપ્ત): ઇજિપ્તના ગીઝા ખાતેના મહાન પિરામિડની નજીક ‘ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ’ (GEM)નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું પુરાતત્વીય સંગ્રહાલય છે. પાંચ લાખ ચોરસ મીટરના વિશાળ સંકુલમાં તૈયાર થયેલા આ મ્યુઝિયમમાં ઇજિપ્તના સાત હજાર વર્ષના ઇતિહાસની એક લાખથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. 1.20 અબજ ડોલરના ખર્ચે બનેલા આ મ્યુઝિયમથી મિસ્રના પર્યટન ક્ષેત્રને નવી ઊર્જા મળવાની અને દર વર્ષે 80 લાખ પ્રવાસીઓને આકર્ષવાની અપેક્ષા છે.
આ સંગ્રહાલયનો મુખ્ય અને સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર ફારૂન તૂતનખામુનના મકબરામાંથી મળેલો સંપૂર્ણ ખજાનો છે. 1922માં ‘બૉય કિંગ’ તૂતનખામુનના મકબરાની શોધ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર, તેમની 5,500થી વધુ વસ્તુઓ જેમાં તેમનો પ્રખ્યાત સોનાનો મુખવટો, ભવ્ય સિંહાસન અને રથનો પણ સમાવેશ થાય છે.
તે તમામ વસ્તુઓ એક જ જગ્યાએ એકસાથે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત, મ્યુઝિયમના મુખ્ય આકર્ષણોમાં રામેસિસ બીજાની વિશાળ પ્રતિમા, 3,200 વર્ષ જૂનો લટકતો સ્તંભ અને ખુફુની 4,500 વર્ષ જૂની અંત્યેષ્ટિની નૌકા પણ સામેલ છે.
મીડિયા અહેવાલો મુજબ, આ ‘ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ’ માત્ર પુરાતત્વીય સંકુલ નથી, પરંતુ તે વિશ્વનું એકમાત્ર એવું સંગ્રહાલય છે જે એક જ સંસ્કૃતિ એટલે કે પ્રાચીન મિસ્રની સંસ્કૃતિ પર સંપૂર્ણપણે આધારિત છે. અહીં ઈસા પૂર્વે 7,000 વર્ષથી લઈને ઈસા પૂર્વે 394 વર્ષ સુધીનો મિસ્રનો ઇતિહાસ એક જ છત નીચે જોવા મળશે. આ સંગ્રહાલયમાં લગભગ 57,000થી વધુ કલાકૃતિઓ મૂકવામાં આવી છે, જેમાંથી સૌથી મહત્ત્વનો ભાગ રાજા તૂતનખામુનનો સંપૂર્ણ ખજાનો છે.
આ પણ વાંચો…ઇજિપ્ત,તુર્કી,ઇઝરાયેલ,સુદાન જેવા સૂકા રણ પ્રદેશોમાંજ જોવા મળતી વનસ્પતિની પ્રજાતિ કચ્છમાંથી મળી આવી



