ઇઝરાયલ અને પેલેસ્ટાઇન મુદ્દે ભારત સરકારે કરી આ સ્પષ્ટતા…
નવી દિલ્હી: હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ઓપરેશન અજય હેઠળ ભારતીય વિમાન આજે રાત્રે ઈઝરાયેલ પહોંચશે, જે આવતીકાલે સવારે ભારત પરત ફરશે. જો કે તેમણે ખાસ એ જણાવ્યું હતું કે આ યુદ્ધ અંગે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. હમાસનો ઈઝરાયલ પર આતંકી હુમલો છે.
હમાસ દ્વારા ઈઝરાયલ પરના હુમલા સાથે જોડાયેલી બાબતમાં બોલતી વખતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે હમાસ દ્વારા ઈઝરાયલ પરના હુમલાને આતંકવાદી હુમલા તરીકે જોઈ રહ્યા છીએ.
પેલેસ્ટાઈનને લઈને ભારતની નીતિ લાંબા સમયથી એક જેવી જ રહી છે. ભારત હંમેશા વાટાઘાટો દ્વારા સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઈનના નિર્માણની હિમાયત કરતું આવ્યું છે. અને ભારતનું સ્ટેન્ડ આજે પણ એમજ છે.
ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને ભારત ઈઝરાયેલને કોઈ પણ પ્રકારના હથિયાર આપશે કે કેમ, તે વિશે પણ ચર્ચા કરી હતી. અને જણાવ્યું હતું કે અત્યાર સુધી ઇઝરાયલ સરકાર તરફથી આવી કોઇ ભલામણ આવી નથી, ન તો અમે આવી કોઈ મદદ કરી રહ્યા છીએ. અત્યારે અમારું ધ્યાન ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો પર છે જેઓ હાલમાં ભારત આવવા માંગે છે. ત્યારે ખાસ અમારે એ જોવનું છે કે તે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવીએ.
હાલમાં ભારતીય નાગરિકને પરત લાવવા માટે ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો જરૂર પડે તો સરકાર એરફોર્સનો પણ ઉપયોગ કરી શકે છે. પ્રથમ ફ્લાઈટમાં લગભગ 230 નાગરિકોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવશે.