
લંડન: યુકેની કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી(CMA) બિઝનેસ અને યુકેના અર્થતંત્રને અનેક રીતે મદદ કરે છે. તાજેતરમાં CMA એક નવી નીતિ તૈયાર કરવા જઈ રહ્યું છે. જેની ગૂગલ અને એપલ જેવી કંપની પર અસર પડશે.
CMAની નવી નીતિ શું છે?
એપલ અને ગૂગલ પોતાના એપ સ્ટોર્સ ચલાવે છે. જેના પરથી યુઝર્સ એપ ડાઉનલોડ કરે છે. એપ સ્ટોર્સ દ્વારા એપને રિવ્યુ પણ આપી શકાય છે. પરંતુ એપલ સામે ફરિયાદ કરવામાં આવી છે કે, કંપની એપ રિવ્યુ સિસ્ટમના ગુપ્તના ડેટાનો ઉપયોગ કરીને તેની સેવાનો પ્રચાર કરે છે અને પોતાનો ફાયદો કરે છે. તેથી CMA આ અંગે નવી નીતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નીતિ હેઠળ યુઝર્સને એપલ અથવા ગૂગલ પે વોલેટ સિવાય અન્ય ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
ગૂગલ અને એપલ પોતાના એપ સ્ટોર્સ પરથી ખરીદી માટે માત્ર ગૂગલ અથવા એપલની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાનો જ વિકલ્પ આપે છે. જેથી તેના ડેવલપર્સને દરેક ખરીદી પર 30 ટકા જેટલું કમિશન એપલ અને ગૂગલને આપવું પડે છે. જેથી બંને કંપનીઓને ઘણી કમાણી થાય છે. પરંતુ CMAની નવી નીતિથી એપ ડેવલપર્સની કમાણી વધવાની તથા કંપનીનું કમિશન ઘટવાની સંભાવના છે.
એપલે કર્યો CMAની નીતિનો વિરોધ
CMAની નવી નીતિનો એપ્પલે વિરોધ કર્યો છે. એપલે જણાવ્યું કે, આ ફેરફાર યુઝરની ગોપનીયતા જોખમમાં મૂકી શકે છે. CMA આ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય માંગ્યો છે. આ નીતિને CMA આગામી વર્ષથી લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, CMA ના ચીફ એક્ઝિક્યુટિવ સારાહ કાર્ડેલના જણાવ્યાનુસાર, યુકેમાં હાજર મોબાઇલ ઉપકરણોમાં એપલ અને ગુગલનો 90 થી 100 ટકા ભાગ ધરાવે છે. તેનાથી 4 લાખ લોકોને નોકરી મળી રહી છે. આમ, યુકેમાં એપ્સ દ્વારા થતી કમાણી અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે.