વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક પહોંચતા સ્થાનિકમાં રૂ. ૬૦૧ની તેજી, ચાંદી રૂ. ૧૧૫૨ ઉછળી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈઝરાયલે લેબેનોન પર કરેલા હુમલામાં અંદાજે ૬૦ વ્યક્તિઓની જાનહાની થઈ હોવાના અહેવાલ ઉપરાંત અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વિક્રમ સપાટીની નજીક પહોંચ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે ધનતેરસના સપરમા દહાડે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૮થી ૬૦૧ની તેજી આવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫૨ના ઉછાળા સાથે ફરી રૂ. ૯૭,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
આજે ધનતેરસના સપરમા દહાડે સ્થાનિક જ્વેલરોમાં ખાસ કરીને રિટેલ સ્તરની માગ પ્રબળ રહેવાનો આશાવાદ સેવાઈ રહ્યો હતો. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે હાજરમાં મધ્યસત્ર દરમિયાન વેરારહીત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૮ વધીને રૂ. ૭૮,૫૩૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦૧ વધીને રૂ. ૭૮,૮૪૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં તેજીનો અન્ડરટોન હોવાને કારણે રિટેલ સ્તરના વૉલ્યુમમાં ઘટાડો થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે છૂટીછવાઈ રોકાણલક્ષી માગ રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫૨ના ઉછાળા સાથે રૂ. ૯૭,૨૩૮ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે મધ્યપૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવ તથા અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની વિક્રમ સપાટીની લગોલગ ૨૭૫૩.૬૬ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૭૬૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૩૩.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો…..Big Breaking: આખરે ઓળખાયો પ્લેનમાં બોમ્બની અફવાઓ ફેલાવનારો, લેખક નીકળ્યો બોલો
એકંદરે ગઈકાલે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં અને ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી જોવા મળેલા ઘટાડાને કારણે સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર આગામી દિવસોમાં જાહેર થનારા ફુગાવાના અને રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે. જો અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવશે તો ફેડરલ રિઝર્વ નાણાનીતિ હળવી અખત્યાર કરતાં સોનાની તેજીને ટેકો મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે.