Giorgia Meloni એ PM Modi સાથે લીધી સેલ્ફી, મંચ પર પણ મળ્યું ખાસ સ્થાન

રોમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) G-7 સમિટમાં ભાગ લેવા ઈટલી ગયા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વના ટોચના નેતાઓમાં પણ તેમનો ક્રેઝ જોવા મળ્યો હતો.ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ(Giorgia Meloni)પણ તેમની સાથે સેલ્ફી (Selfi)લીધી હતી. આ સિવાય ગ્રુપ ફોટો દરમિયાન તેમને સ્ટેજની વચ્ચે એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું.

વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરી
પીએમ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરી.
શ્રેષ્ઠ વિશ્વના નિર્માણ માટે કટીબદ્ધ
PM મોદીએ શનિવારે સવારે ટ્વિટર પર લખ્યું, “અપુલિયામાં G7 સમિટ ખૂબ જ ઉપયોગી હતી. વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી અને વિવિધ વિષયો પર ચર્ચા કરી. અમે સાથે મળીને વૈશ્વિક સમુદાયને લાભદાયક અને ભાવિ પેઢીઓ માટે શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ કરવા માટે અસરકારક ઉકેલો બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું ઇટલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માનું છું.
ત્રીજા કાર્યકાળની પ્રથમ દ્વિપક્ષીય વાતચીત
દેશમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી પીએમ મોદી એક વિદેશી વડાને મળ્યા અને તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન હતા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે તેમના ત્રીજા કાર્યકાળની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ભારત ઉપરાંત ઈટલીએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના 11 વિકાસશીલ દેશોના નેતાઓને G7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.