નેપાળમાં Gen-Zએ લીધો ચોંકાવનારો નિર્ણય, રાજકીય પક્ષોમાં ગરમાવો

કાઠમાંડુ: અહીંયા Gen-Z યુવાનો દ્વારા મોટા બળવા, હિંસા પછી સ્થિર સરકારનું શાસન કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જૂથે એક નવો નિર્ણય લીધો હોવાને કારણે રાજકીય નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. Gen-Zએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં પાર્ટીનું નિર્માણ કરશે, જ્યારે એની સાથે એમ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવા માટે મૂળભૂત શરતોનું પણ પાલન કરવા પર નિર્ભર રહે છે.
Gen-Z નેતા મિરાઝ ધુંગાનાએ કરી જાહેરાત
નેપાળમાં કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદ્યા બાદ Gen-Zઓમાં આક્રોશ ફેલાયો હતો. પરિણામે દેશવ્યાપી Gen-Z આંદોલન શરૂ થયું હતું. જેમાં મિરાઝ ધુંગાના નામનો 24 વર્ષીય યુવાન નેતા તરીકે ઊભરી આવ્યો છે. આ યુવાને એક મોટી જાહેરાત કરી છે. તાજેતરમાં નેપાળની રાજધાની કાઠમાંડુ ખાતે Gen-Z નેતા મિરાઝ ધુંગાનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે. અમારી પાર્ટી નેપાળના યુવાનોને એક કરવાનું કામ કરશે. અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. સુશાસન, પારદર્શકતા અને જવાબદારી માટે લડવું. અમે યુવાનોનું બલિદાન વ્યર્થ જવા દઈશું નહીં, એમ જણાવ્યું હતું.
અમે ચૂંટણી ત્યારે જ લડીશું જ્યારે…
ચૂંટણી લડવા અંગે મિરાઝ ધુંગાનાએ જણાવ્યું કે આગામી વર્ષે થનારી ચૂંટણીમાં અમે ત્યારે જ લડીશું, જ્યારે સરકાર અમારે કેટલીક શરતોને પૂરી કરશે. મિરાઝ ધુંગાનાએ જનતાના નેતૃત્ત્વવાળી તપાસ સમિતિ બનાવવાની અને આર્થિક સુધારની નવી નીતિ લાવવાની માંગ કરી છે. મિરાઝ ધુંગાનાએ વધુમાં જણાવ્યું કે, “નેપાળની અર્થવ્યવસ્થા અટકી ગઈ છે. કારણ કે લાખો યુવાનો રોજગાર માટે વિદેશ જઈ રહ્યા છે. તેના માટે પાછલી સરકારો જવાબદાર છે. આપણે બે મોટી જનસંખ્યા ધરાવતા ભારત અને ચીનની વચ્ચે છીએ, તેથી આપણે પડોશી બજારોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન પણ વધારવું પડશે.”
ભારતમાં Gen-Z નેતાની એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, ભારતના રાજકારણમાં પણ Gen-Z નેતાની એન્ટ્રી થઈ ગઈ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી જાણીતી યુવા ગાયિકા મૈથિલી ઠાકુરને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જો તે આ ચૂંટણીમાં જીતશે તો તે ભારતની પહેલી Gen-Z ધારાસભ્ય બની જશે.