અહી લોકો જીવવા માટે રોજ ફક્ત બે બ્રેડના ટુકડા ખાય છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરીને આખા શહેરને સ્મશાનમાં ફેરવી દીધું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 9 હજાર પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. આ યુદ્ધના કારણે ગાઝાના લોકો તમામ પ્રકારના સંપર્કથી તૂતી ગયા છે. તેમની પાસે પીવા માટે પાણી પણ નથી. લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા છે.
એક એજન્સીએ જણાવ્યું હતું કે લોકો જીવવા માટે રોજે રોજ ફક્ત બે-બે બ્રેડના ટુકડા ખાય છે. શહેરના વિસ્તારોમાં પાણી માટેની બૂમો સંભળાઇ રહી છે. ગાઝામાં કોઇ પણ જગ્યા રહેવા માટે સલામત રહી નથી. સામાન્ય રીતે લોકો પોતાના ભવિષ્ય માટે ચિંતા કરતા હોય છે પરંતુ અહીના લોકો પોતાના વર્તમાનથી ડરી રહ્યા છે.
એક વીડિયો બ્રીફિંગ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતં કે યુએન પેલેસ્ટિનિયન રેફ્યુજી એજન્સી (UNRWA) ગાઝામાં લગભગ 89 બેકરીઓ ચલાવી રહી છે, જેની મદદથી 1.7 મિલિયન લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પેલેસ્ટાઇન માટે યુએન માનવતાવાદી સંયોજક લીન હેસ્ટિંગ્સે યુએનના સભ્ય દેશોને જણાવ્યું હતું કે ઇઝરાયલથી ગાઝા સુધીની ત્રણ પાણી પુરવઠા લાઇનમાંથી માત્ર એક જ હાલમાં કાર્યરત છે.
ગાઝામાં લોકોને પીવાના પાણીની જોરદાર તંગી થઇ ગઇ છે. હાલમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હોસ્પિટલો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, ફૂડ પ્રોડક્શન ફેસિલિટી અને અન્ય આવશ્યક સેવાઓને ચાલુ રાખવા માટે પણ કોઇપણ પ્રકારનું બેકઅપ જનરેટર ઇંધણ આપવામાં આવી રહ્યું નથી, અને તેના કારણે આ તમામ પુરવઠા ગમે ત્યારે વચ્ચે બંધ થઇ જાય છે.