ગાઝામાં ઇઝરાયલી હુમલો: સહાયની રાહ જોતા 73 પેલેસ્ટિનિયનોના મોત

દેર-અલ-બલાહઃ ગાઝામાં ઇઝરાયલી સેનાના ગોળીબારમાં માનવતાવાદી સહાયની રાહ જોઇ રહેલા ૭૩ પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા હતા. આ હુમલામાં ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
મંત્રાલય અને સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર સૌથી ભયંકર હુમલો ઉત્તરી ગાઝામાં ઝીકિમ ક્રોસિંગ પર થયો હતો. જ્યાં ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ એકત્રિત કરવા માટે ભેગા થયેલા લોકો પર અચાનક ગોળીબાર કરવામાં આવતા ૬૭ પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો: ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં ગાઝાનું ઐતિહાસિક શહેર રાખમાં ફેરવાયું: બેઇત હાનુનમાં 700 વર્ષ જૂની ઇમારતો ધ્વસ્ત
આ દુર્ઘટનાએ ફરી એકવાર ગાઝામાં યુદ્ધ અને ભૂખમરાના સંકટને ઉજાગર કર્યું છે. ગાઝાના લોકો પહેલાથી જ ખોરાક, પાણી અને દવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ હુમલાએ ત્યાં પહેલાથી જ ભયંકર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ઝહેર અલ-વહિદીના જણાવ્યા મુજબ ભૂખમરાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. ઉત્તરી ગાઝામાં શિફા હોસ્પિટલના ડિરેક્ટર અબુ સેલમિયાએ જણાવ્યું કે હોસ્પિટલમાં ગયા મહિને કુપોષણથી ૭૯ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે આ બાજુ ગાઝા પટ્ટી પર રાતભર ઇઝરાયલી બોમ્બમારો ચાલુ રહ્યો હતો.