ગાઝા અને ઇઝરાયલ વચ્ચે 24 કલાકમાં યુદ્ધવિરામ થશે, પણ હમાસના લીડરને નહીં છોડે

કૈરો: ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલના લશ્કરી અભિયાનને સમાપ્ત કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોને મધ્ય પૂર્વમાં મોટી સફળતા મળી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ગાઝા સહિત સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં શાંતિ માટેની 20-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. આ ગાજા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના કરાર પર આજે ઇજિપ્તમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આવો જાણીએ.
24 કલાકની અંદર થશે ગાઝામાં યુદ્ધવિરામ
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ ઇઝરાયલી સરકારના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે, પ્રથમ તબક્કાના અંતિમ મુસદ્દા પર આજે સવારે ઇજિપ્તમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારની મુખ્ય શરતો પ્રમાણે ઇઝરાયલી કેબિનેટની બેઠકના 24 કલાકની અંદર ગાઝામાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે. બંધકોને મુક્ત કર્યા પછી, ઇઝરાયલી સેના ગાઝાના લગભગ 53 ટકા ભાગ પર નિયંત્રણ રાખશે. તમામ 48 બંધકોને મુક્ત કરશે, જેમાં 20 જીવિત અને બાકીના મૃતકોના મૃતદેહોનો સમાવેશ થાય છે. આના બદલામાં, પેલેસ્ટિનિયનો અને મૃત પેલેસ્ટિનિયનોના મૃતદેહો પરત કરવામાં આવશે. જીવંત અને મૃત બંને બંધકોને સોમવાર સુધીમાં પરત કરી દેવાય એવી ડૉનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે.
બરઘૌતીની મુક્તિનો ઇનકાર
હમાસ દ્વારા ઇઝરાયલ સાથેના કરારના ભાગરૂપે પેલેસ્ટિનિયન નેતા મારવાન બરઘૌતીની મુક્તિની માંગ કરવામાં આવી હતી, જે લાંબા સમયથી ઇઝરાયલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જોકે, ઇઝરાયલી પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે “બરઘૌતી આ મુક્તિનો ભાગ રહેશે નહીં.”
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનામાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ, બંધકોને પરત કરવા, હમાસનું નિઃશસ્ત્રીકરણ અને પેલેસ્ટાઇનમાં આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતીનો સમાવેશ થાય છે. આ યોજનાને પહેલા પાકિસ્તાની સરકારે સમર્થન આપ્યું હતું. પરંતુ પાકિસ્તાનમાં તેનો વિરોધ થતા શાહબાજ શરીફે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.
આપણ વાંચો : ‘ઓપરેશન સિંદૂર’માં બરબાદ થયેલું જૈશ-એ-મોહમ્મદ મહિલાઓની કરશે ભરતીઃ મસૂદ અઝહરની બહેન કરશે નેતૃત્વ