નાગોર્નો-કારાબાખમાં ગૅસ સ્ટેશનમાં વિસ્ફોટ, ૨૦ના મોત
નોગોર્નો: યેરેવાન નાગોર્નો-કારાબાખમાં એક ગૅસ સ્ટેશનમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત નીપજ્યા અને ૩૦૦ જેટલા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ગૅસ સ્ટેશન પર આર્મેનિયા ભાગી જવા માંગતા લોકો કારમાં ઇંધણ ભરાવવા માટે લાઇનમાં ઊભા હતા, તેમ અલગતાવાદી સત્તાવાળાઓએ મંગળવારે માહિતી આપતા જણાવ્યું હતું.
પ્રદેશના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાતે સ્ટેપનકર્ટની પ્રાદેશિક રાજધાની બહારના ગૅસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં ૧૩ મૃતદેહો મળી આવ્યા હતા અને વિસ્ફોટમાં ગંભીરરીતે ઘાયલ થયેલા સાત લોકોના મોત થયા હતા. જ્યારે ૨૯૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. વિસ્ફોટ થયો ત્યારે લોકો પ્રદેશ છોડવા માટે તેમની કારમાં ઇંધણ ભરાવા માટે લાઇનમાં ઊભા હતા. નોંધનીય છે કે, અઝરબૈજાનના ત્રણ દાયકાના અલગતાવાદી શાસન પછી આ પ્રદેશને સંપૂર્ણ રીતે પુનપ્રાપ્ત કરવા માટેના ઝડપી લશ્કરી ઓપરેશન પછી હજારો નાગોર્નો-કારાબાખ રહેવાસીઓ આર્મેનિયા ભાગી રહ્યા છે.
અઝરબૈજાનની સેનાએ ગયા અઠવાડિયે ૨૪ કલાકના હવાઇ હુમલામાં આર્મેનિયન દળોને હરાવી, અલગતાવાદી સત્તાવાળાઓને શો મૂકવા અને અઝરબૈજાનમાં નાગોર્નો-કારાબાખના પુન:એકીકરણ માટે વાટાઘાટો શરૂ કરવા માટે દબાણ કર્યું હતું. જો કે અઝરબૈજાને પ્રદેશમાં આર્મેનિયનોના અધિકારોનું સન્માન કરવાનું અને ૧૦ મહિનાની નાકાબંધી પછી પુરવઠો પુનસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, તેમ છતાં સ્થાનિક રહેવાસીઓ બદલો લેવાની બીકે આર્મેનિયા ભાગી રહ્યા હતા. આર્મેનિયન સરકારના જણાવ્યા અનુસાર સોમવાર સાંજ સુધીમાં ૬,૫૦૦થી વધુ નાગોર્નો-કારાબાખ રહેવાસીઓ આર્મેનિયા ભાગી ગયા હતા.