પોતાના જ રિપોર્ટમાં કેનેડાની પોલ છતી થઈ: ખાલિસ્તાની જૂથોને કેનેડામાંથી મળે છે ફંડિંગ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પોતાના જ રિપોર્ટમાં કેનેડાની પોલ છતી થઈ: ખાલિસ્તાની જૂથોને કેનેડામાંથી મળે છે ફંડિંગ

ઓટાવા: ખલિસ્તાની આતંકવાદીઓને કેનેડા માત્ર આશરો જ નહિ પણ આર્થિક ભંડોળ પણ પૂરું પાડી રહ્યું છે. આ કોઈ આરોપ નથી પણ ખુદ કેનેડાએ કરેલો સ્વીકાર છે. કેનેડાના એક રિપોર્ટમાં જ તેની પોલ છતી થઈ હતી કે કેનેડાની અંદર ખાલિસ્તાની આતંકી ફંડિંગ થઈ રહ્યું છે. અત્યાર સુધી તો એવું માનવામાં આવતું હતું કે કેનેડા બબ્બર ખાલસા, ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન અને સિખ ફોર જસ્ટિસ જેવા ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને સુરક્ષિત આશરો આપે છે, પરંતુ ઓટાવાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે આ સમૂહો કેનેડાની ધરતી પરથી કાર્ય કરી રહ્યા છે અને નાણાકીય સહાય મેળવી રહ્યા છે.

કેનેડાના જ રિપોર્ટમાં છતી થઈ પોલ

કેનેડાના નાણા વિભાગે મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડવાના જોખમો પર એક મૂલ્યાંકન (અસેસમેન્ટ) અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની સંગઠનો પર “કેનેડા સહિત ઘણા દેશોમાં ભંડોળ એકઠું કરવાની શંકા છે.” રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “કેનેડામાં ક્રિમિનલ કોડ હેઠળ સૂચિબદ્ધ અને PMVE શ્રેણી હેઠળ આવતી ઘણી આતંકવાદી સંગઠનો, જેવા કે હમાસ, હિઝબુલ્લાહ, અને ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કેનેડામાંથી નાણાકીય સહાય મેળવતા હોવાનું જણાયું છે.”

કેનેડા બની રહ્યું છે આતંકવાદનું પોષક?

રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે ઉગ્રવાદી સંગઠનો ડ્રગ્સની તસ્કરી અને ઓટો ચોરી માટે ચેરિટેબલ ટ્રસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે કેનેડા એક આતંકી આર્થિકપોષણના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. આ બાબત ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા બિન લલાભકારી ક્ષેત્રનો ગેરઉપયોગ અને પ્રવાસીઓના દાન તરફ ઈશારો કરે છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ સંગઠનો પાસે અગાઉ કેનેડામાં એક વ્યાપક ભંડોળ એકઠું કરવાનું નેટવર્ક હતું, પરંતુ હવે તેમાં નાના પાયાના લોકો પણ સામેલ થઈ ગયા છે, જેઓ આ હેતુ પ્રત્યે વફાદારી ધરાવે છે, પરંતુ કોઈ ચોક્કસ સંગઠન સાથે તેમનું કોઈ ખાસ જોડાણ નથી.”

કેનેડા સાથેના સંબંધોમાં સુધારાના સમયે ઉઠ્યો મુદ્દો

ખાલિસ્તાની ઉગ્રવાદનો ઉલ્લેખ એવા સમયે થયો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં ધીમે ધીમે સુધાર જોવા મળી રહ્યો છે. માર્ક કાર્નીની સરકાર સત્તામાં આવ્યા બાદ બંને દેશોએ તાજેતરમાં એકબીજા માટે નવા હાઈ કમિશનરની નિમણૂક કરી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નથી. 18 સપ્ટેમ્બર 2023ના રોજ, જ્યારે કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો. આ વિવાદને કારણે ભારતે 6 કેનેડિયન અધિકારીઓને હાંકી કાઢ્યા હતા. જ્યારે કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સહિત અધિકારીઓની છૂટ સમાપ્ત કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button