એક સાથે બે ક્રિકેટરે જાહેરાત કરી દીધી નિવૃત્તિ

પોર્ટ ઑફ સ્પેન/લંડન: ટી-20 ક્રિકેટ બે દાયકાથી રમાય છે, પરંતુ આ જ ફોર્મેટની પ્રીમિયર લીગનો છેલ્લા થોડા વર્ષોમાં રાફડો ફાટી નીકળ્યો છે જેને કારણે કેટલાક દેશોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય છોડવા લાગ્યા છે. છેલ્લા 12 કલાકમાં એક સાથે બે ક્રિકેટર, વેસ્ટ ઈન્ડિઝના શૅનોન ગેબ્રિયલ અને ઇંગ્લૅન્ડના ડેવિડ મલાને ઇન્ટરનેશનલ ક્રિકેટને ગુડ બાય કરી દીધી છે.
36 વર્ષનો ગેબ્રિયલ ફાસ્ટ બોલર છે અને વેસ્ટ ઈન્ડિઝ વતી તે 2013થી 2023 દરમિયાન 59 ટેસ્ટ, 25 વન-ડે અને બે ટી-20 રમ્યો હતો. આ મૅચોમાં તેણે કુલ 200 જેટલી વિકેટ લીધી હતી.
મહાન કૅરિબિયન ફાસ્ટ બોલર કોર્ટની વૉલ્શે એક સમયે ગેબ્રિયલની સરખામણી પૅટ્રિક પેટરસન અને ઇયાન બિશપ સાથે કરી હતી. ગેબ્રિયલે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. તેને હજી સુધી આઈપીએલમાં રમવાનો મોકો નથી મળ્યો. ઇંગ્લૅન્ડનો 36 વર્ષની ઉંમરનો બૅટર ડેવિડ મલાન પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ છોડી રહ્યો છે. એક સમયે તે ટી-20માં ઇંગ્લેન્ડનો નંબર-વન બૅટર હતો.
લેફ્ટ-હૅન્ડ બૅટર મલાન 2017થી 2023 સુધીમાં 22 ટેસ્ટ, 30 વન-ડે અને 62 ટી-20 મૅચ રમ્યો હતો. મલાને આઠ સેન્ચુરીની મદદથી કુલ 4,600 જેટલા રન બનાવ્યા હતા. મલાન એક સમયે આઈપીએલની પંજાબ કિંગ્સ ટીમમાં હતો.
જૉસ બટલરની પછી મલાન ત્રણેય ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સેન્ચુરી ફટકારનાર ઇંગ્લૅન્ડનો બીજો બૅટર છે. 2020માં મલાન ટી-20 ઇન્ટરનેશનલમાં વિશ્વમાં સૌથી ઝડપે (24 ઈનિંગ્સમાં) 1000 રન પૂરા કરનારો બૅટર બન્યો હતો.
મલાનને 2023ના વન-ડે વર્લ્ડ કપ પછી ઇંગ્લૅન્ડ વતી રમવાનો મોકો નહોતો મળ્યો. ઓસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝ માટેની ટીમમાં સમાવેશ ન થતાં તેણે રિટાયરમેન્ટનો નિર્ણય જાહેર કરી દીધો છે.