France’s Parliament Election: ડાબેરી ગઠબંધન વધુ બેઠકો જીત્યું પણ બહુમતી એકેયને ના મળી
પેરિસઃ ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં એકેય પક્ષને બહુમતી મળી નથી. ડાબેરી ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને છે. મજબૂત ગણાતી ફાર-રાઇટ નેશનલ રેલી ત્રીજા સ્થાને રહી છે.
આ પરિણામોને કારણે ફ્રાન્સ સંસદમાં અસ્થિરતાની આશ્ચર્યજનક સંભાવનાનો સામનો કરી રહ્યું છે તથા યુરોપિયન સંઘના એક સ્તંભ અને ઓલિમ્પિક યજમાન દેશમાં રાજકીય માડાગાંઠનું જોખમ ઊભું થયું છે. આથી બજાર અને ફ્રાન્સની અર્થવ્યવસ્થા, જે યુરોપિયન સંઘની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તે હચમચી શકે છે તેમ જ યુક્રેનમાં યુદ્ધ, વૈશ્વિક મુત્સદ્દીગીરી અને યુરોપની આર્થિક સ્થિરતા પર આની દૂરોગામી અસરો થઇ શકે છે.
અત્યાર સુધીના પરિણામોથી જાણવા મળે છે કે ફ્રાન્સ રાજકીય ધુમ્મસમાં ડૂબી ગયું છે, જેમાં ત્રણ મુખ્ય જૂથો- ડાબેરી ગઠબંધન, ફાર-રાઇટ નેશનલ રેલી અને મેક્રોનના કેન્દ્રવાદીઓ- તમામ ૫૭૭ બેઠકોવાળી નેશનલ એસેમ્બલીને નિયંત્રિત કરવા માટે જરૂરી ૨૮૯ બેઠકથી ઘણા પાછળ રહી ગયા છે. નોંધનીય છે કે ફ્રાન્સની સંસદમાં ૫૭૭ પ્રતિનિધિ છે અને સંપૂર્ણ બહુમતી માટે ૨૮૯ બેઠકો જરૂરી છે.
જ્યારે ફ્રાન્સની સંસદની ચૂંટણી યોજાઇ ત્યારે તેમાં દક્ષિણપંથીને મોટી સફળતા મળી હતી. ત્યાર બાદ ૯ જૂને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ચૂંટણીની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાના મતદાનમાં દક્ષિણપંથી માટે મોટી સફળતાના સંકેતો હતા. પરંતુ આ પરિણામ છેલ્લી ઘડીએ જમણેરીઓને રોકવાના પ્રયાસનું પરિણામ છે. રાઇટ વિંગના નેતા મેરી લે પેનને પૂર્ણ બહુમતી સરકારની અપેક્ષા હતી. પરંતુ હવે ત્રિશંકુ સરકાર રચાતી જોવા મળી રહી છે. મેક્રોનનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો છે, પરંતુ આ ચૂંટણી પરિણામોએ તેમના પર દબાણ વધારી દીધું છે.