ભારતીય મુસાફરોની ફ્લાઈટ રોકવા મુદ્દે ફ્રાન્સનું મોટું નિવેદન

ભારતીય મુસાફરોને લઈ જતા લિજેન્ડ એરલાઇન્સના એરબસ A340 એરક્રાફ્ટ યુનાઇટેડ આરબ અમીરાતથી નિકારાગુઆ જવા માટે ઉડાન ભર્યા બાદ પેરિસથી લગભગ 150 કિલોમીટર પૂર્વમાં સ્થિત વેત્રી એરપોર્ટ પર હ્યુમન ટ્રાફિકિંગની શંકા પર રોકવામાં આવ્યું હતું. આ વિમાન રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સનું છે.
આ પ્લેનમાં 300 થી વધુ મુસાફરો છે અને તેમાંથી મોટાભાગના ભારતીય મૂળના છે. ફ્રાન્સની પોલીસને માહિતી મળી હતી કે આ પ્લેનમાં માનવ તસ્કરી કરવામાં આવી રહી છે, ત્યારપછી ફ્રાન્સની પોલીસે એરપોર્ટ પર જ પ્લેનને રોક્યું અને તપાસ હાથ ધરી છે.
એરલાઈન્સની સત્તાવાર વકીલનું કહેવું છે કે કંપનીએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. પરંતુ જો આ મામલે કેસ દાખલ કરવામાં આવશે તો એરલાઈન્સ પણ કાનૂની કાર્યવાહી કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગ્રાહકે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું અને તે જ ગ્રાહકે તમામ મુસાફરોના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. ગ્રાહકે ફ્લાઇટ ઉપડ્યાના 48 કલાક પહેલા જ એરલાઇનનો સંપર્ક કર્યો હતો. લિજેન્ડ એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પોલીસે આ અંગે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસને પણ જાણ કરી છે, ત્યારપછી એમ્બેસીની એક ટીમ પણ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને આ મામલામાં ચાંપતી નજર રાખવાની સાથે ભારતીય મુસાફરોની સુવિધાનું પણ ધ્યાન રાખી રહી છે.
ફ્રેન્ચ પોલીસે બે મુસાફરોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીમાં દોષી સાબિત થવા પર 20 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.