મસ્જિદની બહાર સૂવરના માથા મૂક્યા અને લખ્યું રાષ્ટ્રપતિનું નામ, ફ્રાન્સના મુસ્લિમ સમુદાયમાં હડકંપ

પેરિસ: નેપાળની જેમ ફ્રાન્સમાં પણ સરકારનો વિરોધ શરૂ થઈ ગયો છે. એવામાં ફાન્સની રાજધાની પેરિસમાં એવી ઘટના બની છે. જેનાથી મુસ્લિમ સમાજમાં હડકંપ મચી ગયો છે. પરિસની 9 મસ્જિદોની બહાર સૂવરના માથા કાપીને રાખવામાં આવ્યા છે. ઇસ્લામમાં સૂવરનું માંસ ખાવાની મનાઈ છે. જેથી મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ જણાઈ રહી છે.
માથા પર લખ્યું રાષ્ટ્રપતિનું નામ
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, ફ્રાન્સની રાજધાની પેરિસની 9 મસ્જિદોની બહાર સૂવરના માથા કાપીને મૂકવામાં આવ્યા છે. જેમાં 9 પૈકીના 5 સૂવરના માથા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોનું નામ લખવામાં આવ્યું છે. આ કૃત્યની પાછળ કોનો હાથ છે? તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પેરિસના પોલીસ પ્રમુખ લૉરેંટ નુનેઝે જણાવ્યું કે, આ ઘટના ફ્રાન્સને અસ્થિર કરવાની વિદેશનું ષડયંત્ર હોઈ શકે છે અને આમા વિદેશના હસ્તક્ષેપની સંભાવનાને નકારી શકાય તેમ નથી.
રશિયાના ષડયંત્રની સંભાવના
મસ્જિદની બહાર સૂવરના માથા મૂકવાની ઘટનાને લઈને ફ્રાન્સના ગૃહ પ્રધાન બ્રુનો રિટેલેઉએ જણાવ્યું કે, “હું ઇચ્છું છું કે અમારા મુસ્લિમ દેશવાસીઓ શાંતિથી પોતાના ધર્મનું પાલન કરે.” હાલ ફ્રાન્સમાં મુસ્લિમ વિરોધી માહોલ ઝડપથી વધી રહ્યો છે. જેને લઈને ફ્રાન્સના અધિકારીઓએ દેશના મુસ્લિમ સમુદાયને સંપૂર્ણ સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું છે.
પોલીસ પ્રમુખ લૉરેંટ નુનેઝે સીધું કોઈ દેશનું નામ નથી લીધું, પરંતુ તેમનો ઈશારો રશિયા તરફ છે. કારણ કે રશિયાએ અગાઉ પણ ફ્રાન્સમાં અસ્થિરતા ફેલાવવાનું કામ કરી ચૂક્યું છે. મે મહિનામાં ફ્રાન્સના યહૂદી પ્રાર્થના સ્થળો તથા એક નરસંહાર સ્મારકને લીલા રંગથી રંગવામાં આવ્યા હતા.