
બેંગકોક, નામપેન્હ: ઐતિહાસિક ધરોહર પ્રીહ વિહાર મંદિરને લઈને થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ શરૂ થયું છે. આજે યુદ્ધનો ચોથો દિવસ છે. આજે સવારે બંને દેશો વચ્ચે તોપમારો શરૂ કરવામાં આવ્યો છે. જેથી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ વધારે વણસી છે.
કંબોડિયાના શહેરમાં ગૂંજ્યો તોપનો અવાજ
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, થાઇલેન્ડ-કંબોડિયાની તડકે બોર્ડર પર આજે સવારથી સંઘર્ષ શરૂ થઈ ગયો છે. બંને દેશો વચ્ચે તોપમારો શરૂ થઈ ગયો છે. જેનો અવાજ આ બોર્ડરથી 20 કિલોમીટર દૂર આવેલા કંબોડિયાના સમોંગ્ર શહેરમાં પણ સંભળાઈ રહ્યો છે. જેથી બંને દેશો વચ્ચેની સરહદ પર તણાવ વધ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે, હાલ બંને દેશો વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ કરાવવાની પણ પહેલ કરી છે.
ડૉનાલ્ડ ટ્રમ્પનો યુદ્ધવિરામનો પ્રયાસ નિષ્ફળ?
કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના યુદ્ધમાં ડૉનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપનો પ્રયાસ કર્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના નેતાઓ સાથે વાત કરીને યુદ્ધ રોકવાની અપીલ કરી છે અને જો યુદ્ધ નહી રોકાય તો બંને દેશો સાથે અમેરિકા વેપાર નહી કરે એવી ધમકી પણ આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું હતું કે, “બંને દેશો યુદ્ધવિરામ અને શાંતિ માટે તૈયાર છે.” પરંતુ વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરતા બંને દેશો લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કંબોડિયામાં આવેલું ભગવાન શિવને સમર્પિત પ્રીહ વિહાર મંદિર 11મી સદીમાં નિર્માણ પામ્યું હતું. મંદિરમાં 800 પગથીયા છે. 2008માં યુનેસ્કોએ તેને પોતાની હેરિટેજ સાઈટની યાદીમાં સમાવ્યું હતું. ત્યારબાદ થાઈલેન્ડને લાગ્યું એક ઐતિહાસિક ધરોહર તેની પાસેથી છીનવાઈ ગઈ છે. 1962માં આ મામલો ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ ગયો હતો. જેમાં ઇન્ટરનેશનલ કોર્ટ મંદિરને કંબોડિયાને સોંપ્યું હતું.
આ પણ વાંચો…ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાનમાં: કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા વેપાર રોકવાની આપી ધમકી