Canada ના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર હુમલા કેસમાં ચોથા આરોપીની ધરપકડ, માસ્ટર માઈન્ડ હોવાની આશંકા

બ્રેમ્પટન: કેનેડાના (Canada)બ્રેમ્પટનમાં હિંદુ મંદિર હુમલાના કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ઓળખ બ્રેમ્પટનના 35 વર્ષીય ઈન્દ્રજીત ગોસલ તરીકે થઈ છે. આ મંદિર પર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની નજીક હોવાનું માનવામાં આવે છે. ઇન્દ્રજીતે ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાની યોજના તૈયાર કરી હતી. તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો અને તેને છોડી દેવામાં આવ્યો. અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું
ઈન્દ્રજીત ગોસલ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુનો જમણો હાથ હોવાનું માનવામાં આવે છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તે રેફરેન્ડમ સંબંધિત કામ જોઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે ગોસલની 8 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે અને નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
હિન્દુઓ પર આ પ્રકારના હુમલાની નિંદા કરી
ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બરે ખાલિસ્તાનીઓએ કેનેડામાં ઘણા મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાઓની નિંદા કરી અને કેનેડાને કડક સંદેશ આપ્યો. વિશ્વના ઘણા દેશોએ કેનેડામાં હિન્દુઓ પર આ પ્રકારના હુમલાની નિંદા કરી હતી.
સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી
આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. હુમલાના આરોપીઓને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ દેશના કેટલાક નેતાઓ પર “ઈરાદાપૂર્વક હિંદુઓ અને શીખોને એકબીજા સામે ઉભો કરવાનો” પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડિયન મૂળના હિંદુઓ અને શીખો એક તરફ છે અને બીજી તરફ ખાલિસ્તાનીઓ છે.
Also Read – ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ
ખાલિસ્તાનીઓ અને શીખોને સમાન માનવા લાગ્યા
આર્યની ટિપ્પણી બ્રેમ્પટનના એક મંદિરમાં હિન્દુઓ પર હુમલાની ઘટનાના થોડા દિવસો બાદ આવી છે. આર્યએ કહ્યું કે ઘણા કેનેડિયન નેતાઓ બ્રેમ્પટનની ઘટનાને કેનેડિયન મૂળના હિંદુઓ અને શીખો વચ્ચેના સંઘર્ષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓની ઇરાદાપૂર્વકની કાર્યવાહી અને ખાલિસ્તાનીઓના પ્રભાવને કારણે કેનેડિયનોએ હવે ખાલિસ્તાનીઓ અને શીખોને સમાન માનવા માંડ્યા છે.
3 નવેમ્બરના રોજ ઓન્ટારિયોના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટન શહેરમાં સ્થિત હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાની
ઝંડા લઈને આવેલા દેખાવકારોની લોકો સાથે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ મંદિર સત્તાવાળાઓ અને ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો.