થોડા કલાકો માટે દુનિયાના સૌથી ધનિક બની ગયેલા લેરી એલિસન વિશે આ જાણો છો?

લોસ એન્જલસ: ટેસ્લા, સ્પેસ એક્સ, ન્યુરાલીંક, X જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્ક હાલ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. બિલિયોનેર્સની યાદીમાં મસ્ક છેલ્લા એક વર્ષથી પહેલા નંબર પર છે, તેમની નેટવર્થ 384 બિલિયન ડોલર છે. હવે તેમાની પાસેથી આ ખિતાબ છીનવાઈ શકે છે. બુધવારે ડેટાબેઝ સોફ્ટવેર ડેવલોપર કંપની ઓરેકલના સ્થાપક લેરી એલિસન (Founder of Oracle Larry Ellison) થોડા સમય માટે દુનિયા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતાં, જો કે દિવસના અંતે તેઓ ફરી બીજા સ્થાને આવી ગયા હતાં.
અહેવાલ મુજબ બુધવારે ઓરેકલના શેરમાં 40%નો તોતિંગ વધારો થયો હતો, જેને કારણે લેરી એલિસનની નેટવર્થમાં $100 બિલિયનનો વધારો નોંધાયો હતો અને તેમની કુલ નેટ વર્થ એલોન મસ્ક કરતા વધી ગઈ. દિવસના અંતે શેર માર્કેટ બંધ થયું ત્યારે કંપનીના શેર લગભગ 35 ટકા સાથે બંધ થયા અને એલિસનની નેટવર્થ $383 બિલિયન પર પહોંચી ગઈ.
માત્ર એક દિવસમાં ગૌતમ અદાણીની કુલ નેટવર્થ જેટલી કમાણી!
અહેવાલ અનુસાર, બુધવારે લેરી એલિસનની નેટવર્થમાં કુલ 88.5 બિલિયન ડોલરનો વધારો થયો હતી, જે ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કુલ નેટવર્થ (80.9 બિલિયન ડોલર) કરતા વધુ છે. આમ ગૌતમ અદાણીએ જીવનમાં અત્યાર સુધી કરેલી કામણી લેરી એલિસને માત્ર એક દિવસમાં જ કરી લીધી.
એલિસન મસ્કની આગળ નીકળી શકે છે:
જે રીતે લેરી એલિસનની નેટવર્થ વધી રહી છે અને ઈલોન મસ્કની નેટવર્થ ઘટી રહી છે, એ જોતા અંદાજ લાગવવામાં આવી રહ્યો છે કે લેરી એલિસન ટૂંક સમયમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે.
અહેવાલ મુજબ આ વર્ષે મસ્કની નેટવર્થમાં $48.2 બિલિયનનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી તરફ એલિસનની નેટવર્થમાં $191 બિલિયનનો વધારો નોંધાયો છે. એલિસનની માલિકીની ઓરેકલના ક્વાટરલી રિઝલ્ટ પણ અંદાજ કરતાં ઘણાં સારા આવ્યા છે. આ વર્ષે એલિસનના શેરના ભાવ 45% વધ્યા છે.
લગભગ 37 વર્ષ સુધી ઓરેકલના CEO રહ્યા બાદ એલિસને સપ્ટેમ્બર 2014 માં રાજીનામું આપ્યું હતું. હાલ તેઓ કંપનીના ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) છે.
ટોપ 10 બિલિયોનેર:
અહેવાલ મુજબ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મેટાના CEO માર્ક ઝુકરબર્ગ દુનિયાના ત્રીજા (264 બિલિયન ડોલર), એમેઝોનના માલિક જેફ બેઝોસ ચોથા (252 બિલિયન ડોલર), ગુગલના સહ સ્થાપક લેરી પેજ પાંચમા (210 બિલિયન ડોલર), ગુગલના સહ સ્થાપક સેર્ગેઈ બ્રિન છઠ્ઠા (196 બિલિયન ડોલર), અમેરિકન ઇન્વેસ્ટર સ્ટીવ બાલ્મર સાતમા (192 બિલિયન ડોલર), ફ્રેંચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ આઠમા (162 બિલિયન ડોલર), એનવિડિયાના જેન્સન હુઆંગ નવામા (154 બિલિયન ડોલર) અને ડેલ ટેક્નોલોજીસના CEO માઈકલ ડેલ દસમા (151 બિલિયન ડોલર) ક્રમે છે.
ધનિકોની યાદીમાં અંબાણી અને અદાણી કેટલા નંબરે?
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેર પર્સન મુકેશ અંબાણી 97.9 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 18મા સ્થાને છે, આ વર્ષે તેમની નેટવર્થમાં 7.26 બિલિયન ડોલરનો વધારો થયો છે. અદાણી ગ્રુપના ચેર પર્સન ગૌતમ અદાણી 80.9 બિલિયન ડોલર સાથે આ યાદીમાં 21મા સ્થાને છે, આ વર્ષે તેમની નેટવર્થમાં 2.19 બિલિયન ડોલરનો વધારો થયો છે.
આપણ વાંચો: નેપાળમાં 13,000 કેદીઓ જેલમાંથી ભાગી છૂટ્યા, સેનાના ગોળીબારમાં 5 કિશોર સહીત 7ના મોત