યુટ્યુબના પૂર્વ સીઇઓ Susan Wojcicki નું કેન્સરથી નિધન, સુંદર પિચાઈએ કહ્યું- મારા પ્રિય મિત્રને ગુમાવવાથી દુ:ખી

વોશિંગ્ટન : યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓ સુસાન વોજિસિકીનું(Susan Wojcicki)કેન્સરના લીધે શનિવારે 56 વર્ષની વયે નિધન થયું હતું. સુસાન વોજસિકીના પતિ ડેનિસ ટ્રોપરે ફેસબુક પોસ્ટ દ્વારા તેમના મૃત્યુના સમાચારની જાહેરાત કરી. તેમણે લખ્યું, “અત્યંત દુ:ખ સાથે હું સુસાન વોજસિકીના નિધનના સમાચાર શેર કરું છું. 26 વર્ષથી મારી પત્ની અને અમારા પાંચ બાળકોની માતા, 2 વર્ષ સુધી નોન-સ્મોલ સેલ ફેફસાના કેન્સરથી પીડાતા આજે અમને છોડીને ચાલ્યા ગયા.”
ઘણા લોકો માટે પ્રિય મિત્ર પણ હતી
ડેનિસ ટ્રોપરે આગળ લખ્યું, ‘સુસાન માત્ર મારી શ્રેષ્ઠ મિત્ર અને જીવનસાથી જ નહીં, પરંતુ એક તેજસ્વી વ્યક્તિત્વ, પ્રેમાળ માતા અને ઘણા લોકો માટે પ્રિય મિત્ર પણ હતી. અમારા કુટુંબ અને વિશ્વ પર તેની અસર અમાપ હતી. અમે દુઃખી છીએ, પરંતુ અમે તેની સાથે વિતાવેલા સમય માટે આભારી છીએ. કૃપા કરીને અમારા પરિવાર માટે પ્રાર્થના કરો કારણ કે અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ X પર એક પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું, ‘બે વર્ષ સુધી કેન્સરથી પીડિત રહ્યા પછી, હું મારા પ્રિય મિત્ર સુસાન વોજિસિકીના નિધનથી દુઃખી છું. તે Google ના ઇતિહાસમાં અન્ય કોઈપણ વ્યક્તિ જેટલા મહત્વપૂર્ણ છે. તેમના વિના વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. તે એક અદ્ભુત વ્યક્તિ, લીડર અને મિત્ર હતી જેમણે વિશ્વ પર જબરદસ્ત છાપ છોડી છે. હું અસંખ્ય ગૂગલર્સમાંથી એક છું જેઓ કહી શકે છે કે તેઓ સુસાનને ઓળખતા હતા. અમે તેમને ખૂબ જ યાદ કરીશું. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના.
1998માં ગૂગલના જન્મથી જ ગાઢ સંબંધ ધરાવે છે.
સુસાન વોજસિકીએ 2014 થી 2023 ની શરૂઆતમાં આલ્ફાબેટની પેટાકંપની YouTubeનું નેતૃત્વ કર્યું. તેમણે Google અને તેની મૂળ કંપની આલ્ફાબેટના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, સુસાન 1998માં ગૂગલના જન્મથી જ ગાઢ સંબંધ ધરાવે છે. તે સુસાનનું ગેરેજ હતું જેને સેર્ગેઈ બ્રિન અને લેરી પેજ દ્વારા Google સર્ચ એન્જિન વિકસાવવા માટે ભાડે રાખવામાં આવ્યું હતું.
સુસાને ગૂગલ દ્વારા યુટ્યુબના સંપાદનમાં પણ ભૂમિકા ભજવી હતી.
સુસાન વોજિસિકી 1999 માં કંપનીના 16મા કર્મચારી તરીકે Google માં જોડાયા હતા. સુસાને Google ને YouTube 1.65 બિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.