Twitter ના ભૂતપૂર્વ CEO પરાગ અગ્રવાલે Elon Musk સામે $128 મિલિયનનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી: વિશ્વના નંબર વન અબજોપતિનો તાજ છીનવી લીધા બાદ એલોન મસ્ક માટે વધુ એક ખરાબ સમાચાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના ભૂતપૂર્વ CEO (Indian-origin Ex CEO Parag Aggarwal), આજના X અને 3 અન્ય એક્ઝિક્યુટિવ્સે મસ્ક વિરુદ્ધ $128 મિલિયનથી વધુનો દાવો દાખલ કર્યો છે. ઑક્ટોબર 2022 માં અધિગ્રહણ પછી અગ્રવાલ અને અન્યો પ્રત્યે ‘ખાસ ગુસ્સો’ દર્શાવવાનો એલોન મસ્ક પર આરોપ મૂક્યો છે. ભૂતપૂર્વ ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે 2022 માં ટ્વિટર સંભાળ્યા પછી મસ્કએ તેમના પ્રત્યે “ખાસ ગુસ્સો” દર્શાવ્યો હતો. સોમવારે ઉત્તરી કેલિફોર્નિયાની કોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો.
મસ્કે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું હોવા છતાં પણ તેના પર લેબર અને વર્કપ્લેસ વાયોલેશનના ઘણા કેસ ચાલી રહ્યા છે. જેમાં 2022 અને 2023ની શરૂઆતમાં કાઢી નાખવામાં આવેલા હજારો કર્મચારીઓના સેવરેન્સ નહીં ચૂકવવાના પણ કેસ સામેલ છે. કંપની પર કથિત રીતે કર્મચારીઓને પેમેન્ટ નહીં કરવાનો આરોપ લાગવામાં આવી રહ્યો છે.
ટ્વિટરને હસ્તગત કર્યા પછી, મસ્કે પહેલા ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત ઘણા મોટા અધિકારીઓને બરતરફ કર્યા. થોડા સમય પછી તેઓ કંપનીના સીઈઓ બન્યા. પરાગ અગ્રવાલની સાથે મુખ્ય નાણાકીય અધિકારી નેડ સેગલ અને લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, એલોન મસ્કે સમગ્ર વિશ્વમાં ટ્વિટરના હજારો કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો હતો.