પાકિસ્તાનના પૂર્વ નાણાં પ્રધાન Sartaj Azizનું નિધન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણાં પ્રધાન સરતાજ અઝીઝનું મંગળવાર બીજી જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં અવસાન થયું હતું . સરકાર અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (PML-N)ના અધિકારીઓએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
પાકિસ્તાન મીડિયાના અહેવાલ મુજબ સરતાજ અઝીઝ પાકિસ્તાન સરકારમાં ખૂબ જ મહત્વપૂર્ણ પદ પર હતા. નાણામંત્રી ઉપરાંત તેઓ આયોજન પંચના અધ્યક્ષ પણ હતા. તેમના સમય દરમિયાન, પોતાની કાર્યક્ષમતાને કારણે, તેમણે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ કર્યું હતું. તેમના નિધન પર પીએમએલ-એનના મહાસચિવ અહેસાન ઈકબાલે કહ્યું કે તેઓ પાકિસ્તાન ચળવળના સૌથી વરિષ્ઠ સભ્ય હતા. તેના ગયા પછી પાકિસ્તાનને તેની ખૂબ જ યાદ આવશે. આ સિવાય તેમના કાર્યો હંમેશા યાદ રહેશે.
ભૂતપૂર્વ નાણાપ્રધાન સરતાજ અઝીઝનો જન્મ 1929માં મર્દાન ખૈબર પખ્તુનખ્વામાં થયો હતો. તેમણે પાકિસ્તાન ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમને 1990, 1993 અને 1997 માં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ દ્વારા નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે 1998 અને 2013માં વિદેશ પ્રધાન અને 2013માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. રાષ્ટ્ર પ્રત્યેના તેમના કાર્ય અને સેવાઓ માટે તેમને તમગા-એ-પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેમ જ કાર્યવાહક વડા પ્રધાન અનવારુલ હક કાકર સહિત અનેક અગ્રણી રાજકીય વ્યક્તિઓએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન સરતાજ અઝીઝના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.