અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને લઈને વિદેશ મંત્રીની લાલ આંખ, જાણો શું કહ્યું?
અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાઓની (China’s claims on Arunachal Pradesh) સખત નિંદા કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે (Foreign Minister S. Jaishankar) શનિવારે (23 માર્ચ) ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્તર-પૂર્વીય રાજ્ય ભારતનો એક ભાગ છે. બેઇજિંગના દાવાઓને હાસ્યાસ્પદ ગણાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક ભાગ છે કારણ કે તે હંમેશાથી દેશનો અભિન્ન ભાગ રહ્યો છે.
ત્રણ દેશોની મુલાકાતના ભાગરૂપે સિંગાપોર પહોંચેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે (23 માર્ચ) અહીં નેશનલ યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝમાં આયોજિત એક કાર્યક્રમમાં પાડોશી દેશ ચીનના દાવાઓને ખોટા ગણાવ્યા. બેઇજિંગથી 3700 કિલોમીટરના હવાઈ અંતરે સ્થિત સિંગાપોરમાં વિદેશ મંત્રીએ તેમના પુસ્તક ‘વ્હાય ઈન્ડિયા મેટર્સ’ વિશે પણ વિસ્તૃત વાત કરી હતી.
અરુણાચલ પર ચીનના દાવા અંગેના કાર્યક્રમ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું, “આ કોઈ નવો મુદ્દો નથી. ચીને અગાઉ પણ આ દાવો કર્યો છે. આ દાવો હાસ્યાસ્પદ છે. અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે કારણ કે તે હંમેશાથી જ રહ્યું છે. ભારતનો ભાગ, એટલા માટે નહીં કે અન્ય કોઈ દેશ કહે છે કે તે ભારતનો ભાગ છે.”
હાલમાં જ ચીને અરુણાચલ પ્રદેશ વિશે કહ્યું હતું કે તે ચીનના પ્રદેશનો આંતરિક ભાગ છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બેઇજિંગ ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકારતું નથી.
બીજી તરફ ભારતે ચીનના આ વાહિયાત દાવાઓને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે રવિવારે (24 માર્ચ) એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના લોકોને ભારતના વિકાસ કાર્યક્રમો અને માળખાકીય પ્રોજેક્ટ્સનો લાભ મળતો રહેશે.