
વોશિંગ્ટનઃ આર્ટ ઓફ લિવિંગનો ચોથા ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ નો વોશિંગ્ટન, અમેરિકામાં આરંભ થઇ ગયો છે. 100 થી વધુ દેશોના 17 હજાર કલાકારો, ઘણા રાષ્ટ્રીય વડાઓ અને વિચારકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ 1 ઓક્ટોબર સુધી ચાલશે. તેના દ્વારા વૈશ્વિક એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સમારોહમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વૈશ્વિક એકતાનો સંદેશ આપ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, હાલના સમયમાં આપણું સામૂહિક જીવન વધુ ગાઢ બન્યું છે. તે વધુ સુમેળભર્યું અને વધુ સહયોગી પણ હોવું જોઈએ. આજના મહાન પડકારો, પછી ભલે તે આબોહવા પરિવર્તન, આર્થિક પ્રગતિ કે સામાજિક સુખાકારી હોય, તેને એકલતામાં અસરકારક રીતે સંબોધી શકાતા નથી. આ માટે સમગ્ર વિશ્વને એકસાથે લાવવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.”
વિદેશ પ્રધાન એસ જયશંકરે G-20 સમિટનો ઉલ્લેખ કરતાં એમ પણ કહ્યું હતું કે આ વિઝન સાથે, G-20 ના પ્રમુખપદ દરમિયાન અમારી થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ હતી. મને એ કહેતા ગર્વ થાય છે કે અમે ભારતમાં અમારી જવાબદારી નિભાવી છે અને પરિણામે અમે ટકાઉ વિકાસ, ગ્રીન ગ્રોથ અને ડિજિટલ ડિલિવરીમાં નવી ઉર્જાનો પ્રારંભ કરવામાં સફળ થયા છીએ.”
નોંધનીય છે કે વૉશિંગ્ટનના નેશનલ મોલમાં ત્રણ દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં દુનિયાભરમાંથી લાખો લોકો એકઠા થયા છે. આ માટે 6,00,000 થી વધુ લોકોએ નોંધણી કરાવી છે.
ઉલ્લેખનીય વાત એ છે કે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલની રૂપરેખા ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે તૈયાર કરી હતી. તેનું આયોજન ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને “વિશ્વ સંસ્કૃતિનું ઓલિમ્પિક્સ” પણ કહેવામાં આવી રહ્યું છે.