પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર: હિન્દુ છોકરીઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાનમાં હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો સામે હિંસા અને અન્યાયની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનના ટોચના માનવાધિકાર સંગઠનના તાજેતરના અહેવાલ મુજબ ગત વર્ષે હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓને નિશાન બનાવીને જબરજસ્તી ધર્માંતરણ અને બાળલગ્નના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ ઘટનાઓએ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારોના રક્ષણ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે પાકિસ્તાનના અગ્રણી માનવાધિકાર સંગઠનના અહેવાલ પ્રમાણે ‘સ્ટ્રીટ્સ ઓફ ફિયરઃ ફ્રીડમ ઓફ રિલિજિયન ઓર બિલીફ ઈન 2024-25’માં લઘુમતીઓ સામે વધતી હિંસાની વિગતો રજૂ કરવામાં આવી છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…
અહેવાલમાં જણાવાયું છે કે હિન્દુ, ખ્રિસ્તી અને અહમદીયા સમુદાયો વિરુદ્ધ હિંસામાં ખતરનાક વધારો થયો છે. અહમદીયા સમુદાયની લક્ષિત હત્યાઓ અને તેમના પૂજાસ્થળોનો નાશ થયો છે, જ્યારે હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓના જબરજસ્તી ધર્માંતરણ અને બાળલગ્નની ઘટનાઓએ ચિંતા વધારી છે.
અહેવાલ મુજબ પંજાબ અને સિંધ પ્રાંતોમાં હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓને નિશાન બનાવીને બળજબરીથી ધર્મ બદલાવવામાં આવે છે અને નાની ઉંમરે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.
આ ઘટનાઓ બાળલગ્ન નિષેધ કાયદાઓના નબળા અમલીકરણને દર્શાવે છે. આ આરોપોમાં લઘુમતીઓને નિશાન બનાવીને ભીડ દ્વારા હત્યાઓના કેસો પણ વધ્યા છે, જે માનવાધિકારની ગંભીર સ્થિતિને ઉજાગર કરે છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલાએ નોંધાવી ચૂંટણીમાં ઉમેદવારી: શું રચાશે ઇતિહાસ?
અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પોલીસે ઈશનિંદાના આરોપોમાં ફસાયેલા બે વ્યક્તિઓને ઉગ્રભીડથી બચાવવાને બદલે ન્યાયેતર રીતે હત્યા કરી.
આ ઘટનાઓ કાયદા અમલીકરણ અને જવાબદારીની વ્યવસ્થામાં ગંભીર ખામીઓ દર્શાવે છે. વધુમાં બાર એસોસિએશનનું કટ્ટરવાદી ધાર્મિક જૂથોની વિચારસરણી તરફ ઝૂકાવ ચિંતાજનક છે, જે કાયદાકીય વ્યવસ્થાની સ્વતંત્રતાને નબળી પાડે છે.
સંગઠને પાકિસ્તાન સરકારને ઈશનિંદાના આરોપોની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના આધારે એક પંચ રચવાની માગણી કરી છે. આ ઉપરાંત, નાની ઉંમરની છોકરીઓના જબરજસ્તી ધર્માંતરણમાં સંડોવાયેલા મદરસાઓ પર નજર રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ પગલાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા અને ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે અગત્યના છે.