જર્મનીમાં 13 એરપોર્ટ્સ પર કર્મચારીઓની એક દિવસની હડતાળઃ હજારો ફ્લાઇટ્સ કરાઇ રદ્દ…

બર્લિનઃ ફ્રેન્કફર્ટ અને મ્યુનિક તથા દેશના અન્ય તમામ મુખ્ય સ્થળો સહિત જર્મનીના 13 એરપોર્ટ્સ પર કર્મચારીઓની એક દિવસની હડતાળના કારણે આજે મોટા ભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ પર જાહેર ક્ષેત્રના કર્મીઓ, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય કર્મીઓએ મધ્યરાત્રિથી 24 કલાકની હડતાળ શરૂ કરી દીધી હતી.
જર્મન સમાચાર એજન્સી ડીપીએએ એર ટ્રાફિક મેનેજમેન્ટને ટાંકીને જણાવ્યું હતું કે દિવસ દરમિયાન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર 1116 ફ્લાઇટ્સ ઉડાન ભરવાની અને આવવાની હતી પરંતુ તેમાંથી 1054 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
Also read : અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા
અન્ય એરપોર્ટ પર પણ ફ્લાઇટ કામગીરીને અસર થઈ હતી. આ હડતાળ બે અલગ-અલગ પગાર વિવાદો સાથે સંબંધિત છે. એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓ માટે નવા પગાર અને સેવા શરતોના કરારો પર વાટાઘાટો અને ફેડરલ અને મ્યૂનિસિપલ સરકારોના કર્મચારીઓના પગાર અંગેનો વ્યાપક વિવાદ ઉભો થયો છે.
બર્લિન એરપોર્ટ પર તમામ નિયમિત ફ્લાઇટની અવરજવર બંધ કરાઇ હતી જ્યારે હૈમ્બર્ગ એરપોર્ટે કહ્યું હતું કે કોઇ ફ્લાઇટ રવાના થશે નહીં. કોલોન/બૉન એરપોર્ટે કહ્યું કે નિયમિત પ્રવાસી સેવા રદ્દ કરાઇ છે. આ વિવાદમાં પગાર અંગેની વાટાઘાટો શુક્રવારે ફરી શરૂ થવાની છે, જ્યારે એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓ માટે વાટાઘાટોનો આગામી રાઉન્ડ 26 માર્ચે શરૂ થવાની ધારણા છે.