કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, સિંગરે આપી પ્રતિક્રિયા

વાનકુવર: લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi gang)નો આતંક વિદેશમાં પણ વધી ફેલાઈ રહ્યો છે, આ વખતે ગેંગે પંજાબના જાણીતા ગાયક એપી ઢીલ્લોન(AP Dhillon)ને નિશાન બનાવ્યો હતો. રવિવારે કેનેડાના વાનકુવર(Vancouver)માં વિક્ટોરિયા આઇલેન્ડમાં આવેલા એપી ઢીલ્લોનના ઘરની બહાર ગોળી ચલાવવામાં આવી હતી. ઢીલ્લોને સોમવારે ચાહકોને જાણ કરી કે તે સુરક્ષિત છે. અહેવાલ મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય રોહિત ગોદારા નામના શખ્સે આ ઘટનાની જવાબદારી લીધી છે.
એપી ઢીલ્લોને Instagram પર લખ્યું કે “હું સુરક્ષિત છું, મારી સાથેના લોકો પણ સુરક્ષિત છે. મારા ચિંતા કરવાવાળા દરેકનો આભાર. તમારું સમર્થન મારા માટે સર્વસ્વ છે.”
AP Dhillon આ ગીતો માટે જાણીતો છે:
એપી ઢીલ્લોન 80ના દાયકાની શૈલીના પંજાબી સંગીત સિન્થ-પૉપ મિક્સ કરીને જાણીતો બન્યો છે. ‘બ્રાઉન મુંડે’, ‘એક્સક્યુઝ’, ‘સમર હાઈ’, ‘વિથ યુ’, ‘દિલ નુ’ અને ‘ઈન્સેન’ જેવા ગીતોને કારણે એપી ઢીલ્લોને વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે.

Lawrence Bishnoi gang અગાઉ આ સેલિબ્રીટીને નિશાન બનાવી ચુકી છે:
ગયા વર્ષે નવેમ્બરમાં, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં ગાયક ગિપ્પી ગરેવાલના ઘરે કથિત ગોળીબારની જવાબદારી લીધી હતી. આ ઘટના વાનકુવરના વ્હાઇટ રોકમાં બની હતી.
ગત એપ્રિલ મહિનામાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર બે મોટરસાઇકલ પર સવાર લોકોએ ગોળીબાર કર્યો હતો. મુંબઈ પોલીસે આ ઘટનાના સંબંધમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને “વોન્ટેડ આરોપી” જાહેર કર્યા હતા.