ઇન્ટરનેશનલ

Omanની રાજધાની મસ્કતમાં મસ્જિદ પાસે ફાયરિંગ, 4 લોકોના મોત અનેક ઘાયલ

મસ્કત : ઓમાન (Oman)ની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના બની છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે આ ઘટના વાડી અલ કબીર વિસ્તારમાં મોજદુમાં એક મસ્જિદ પાસે બની હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનાને પહોંચી વળવા સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. પુરાવા એકત્ર કરવા અને તપાસ પ્રક્રિયાને આગળ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ફાયરિંગનું કારણ જાણવા મળ્યું નથી

ઓમાન પોલીસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો પણ સામેલ છે. હાલમાં રોયલ ઓમાન પોલીસને હજુ સુધી ફાયરિંગનું કારણ જાણવા મળ્યું નથી. આ સાથે હુમલો કરનારા લોકો વિશે પણ કોઈ માહિતી સામે આવી નથી.

અમેરિકાએ નાગરિકોને ચેતવણી આપી

ઓમાન અરબી દ્વીપકલ્પની પૂર્વ ધાર પર આવેલું છે. ઓમાનની સલ્તનતમાં આ પ્રકારની હિંસા ભાગ્યે જ જોવા મળે છે.મસ્કતમાં ગોળીબારની ઘટના બાદ યુએસ એમ્બેસીએ અમેરિકનોને ઘટના વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી જાહેર કરી છે. હાલ આ સમગ્ર મામલે ઓમાન પોલીસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી નથી.કેટલાક અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા એક બંદૂકધારીએ એસોલ્ટ રાઈફલ વડે ગોળીબાર કર્યો હતો. ઓમાન પોલીસે કહ્યું છે કે તે સમગ્ર મામલાની તપાસ કરશે.

ઓમાનમાં આતંકવાદી ઘટનાનો ભય

મંગળવારે, ઓમાનની રોયલ પોલીસે ટ્વીટ કરીને આ હુમલાની માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ સોર્સ ન્યૂઝે આ ઘટનાને આતંકવાદી પ્રવૃત્તિ ગણાવી છે. એવું પણ કહેવાય છે કે મસ્જિદની અંદર 700 લોકો ફસાયેલા છે. આ ઘટનાને શિયા સમુદાય વિરુદ્ધની ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button