નોર્થ મેસેડોનિયાના નાઈટક્લબમાં આગ લાગતા 51 લોકોના મોત, 100થી વધુ ઘાયલ

સ્કોપયે: દક્ષિણપૂર્વ યુરોપમાં સ્થિત દેશ નોર્થ મેસેડોનિયાના શહેર કોકાની(Kocani, North Macedonia) એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક સમય મુજબ રવિવારે વહેલી સવારે શહેરના એક નાઈટક્લબમાં આગ લાગી (Fire in nightclub) હતી. આ ઘટનામાં 51 લોકોના મોત થયા છે, જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.
મેસેડોનિયાના ગૃહ પ્રધાન પંચે તોશકોવસ્કીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે નાઈટક્લબ પલ્સ(Pulse)માં એક પોપ કોન્સર્ટ દરમિયાન આગ ફાટી નીકળી હતી. ક્લબમાં યુવાનો ફટાકડા ફોડી રહ્યા છે, જેના કારણે ક્લબની છતમાં આગ લાગી ગઈ.
કોકાની શહેરમાં આવેલા પલ્સ નાઇટક્લબમાં દેશના જાણીતા હિપ-હોપ ડ્યુઓ DNKનો મ્યુઝિક કોન્સર્ટ હતો. મધ્યરાત્રિએ શરૂ થયેલા આ કોન્સર્ટમાં લગભગ 1,500 યુવાનોએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર ક્લબના વિડીયો શેર કરવામાં આવ્યા છે, જેમાં બની અંદર અફરાતફરી મચેલી જોવા મળે છે.
છતમાં લાગી આગ:
કોન્સર્ટ દરમિયાન કેટલાક યુવાનો નાચતા-નાચતા ફટાકડા ફોડતા જોવા મળે છે. આ કારણે છતમાં આગ લાગી ગઈ. વીડિયોમાં સ્ટેજ પરથી તણખા પણ નીકળતા જોવા મળે છે, ત્યાર બાદ છતમાં આગ લાગી ગઈ હતી.
ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કાર્યવાહી શરુ કરી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર ફાઇટરોએ તેના પર કાબુ મેળવવા કલાકો સુધી સખત મહેનત કરવી પડી. મેસેડોનિયન અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું:
ઉત્તર મેસેડોનિયાના વડા પ્રધાન હ્રિસ્તિજાન મિકોસ્કી( Hristijan Mickoski) આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમને X પર લખ્યું, “આ મેસેડોનિયા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. આટલા બધા યુવાન લોકોના જીવ ગુમાવવાથી દેશને કદી ભરપાઈ ન થઇ શકે એવી મોટી ખોટ પડી છે. પરિવારો, પ્રિયજનો અને મિત્રો દુઃખમાં ગરકાવ છે. લોકો અને સરકાર તેમને પીડામાંથી રહાત આપવા અને આ મુશ્કેલ ક્ષણોમાં તેમને મદદ કરવા માટે બનતા પ્રયત્નો કરશે.”