લોસ એન્જલસમાં બસ અને મેટ્રો ટ્રેન વચ્ચે ભીષણ ટક્કરઃ 50 ઘાયલ
લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવારે બસ અને મેટ્રો ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 50 લોકો ઘાયલ થયા હતા. જ્યારે બે ગંભીર હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના અંગે લોસ એન્જલસ ફાયર વિભાગે જણાવ્યું હતું કે શહેરના એક્સપોઝિશન પાર્ક વિસ્તારમાં લોસ એન્જલસ મેટ્રો ટ્રેન બપોરના સુમારે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની બસ સાથે અથડાઇ હતી.
વિભાગે જણાવ્યું હતું કે બસમાં ગંભીર રીતે ઘાયલ બે લોકો ઉપરાંત 16 લોકોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યારે 37 લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર અથડામણ સમયે સાન્ટા મોનિકા જતી ટ્રેનમાં લગભગ 150 પ્રવાસી હતા. ટ્રેનને હટાવીને રેલ યાર્ડમાં પરત લઇ જવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
લોસ એન્જલસ મેટ્રોના પ્રવક્તા ડેવ સોટેરાએ જણાવ્યું હતું કે બસ ઇ લાઇન ટ્રેનના માર્ગમાં ઘૂસી ગઇ હતી. લાઇટ રેલ લાઇન પૂર્વ લોસ એન્જલસથી ડાઉનટાઉન સાન્ટા મોનિકા સુધી મોટે ભાગે શેરીઓમાં ચાલે છે અને તમામ ક્રોસિંગમાં દરવાજા નથી.
યુએસસી ટ્રાન્સપોર્ટેશનના એક નિવેદન અનુસાર સ્ટારક્રાફ્ટ 40-પેસેન્જર બસ એક્સપોઝિશન બુલવર્ડ પર પશ્ચિમ તરફ જઇ રહી હતી. અથડામણ થઇ ત્યારે માત્ર ડ્રાઇવર અને એક પેસેન્જર તેમાં સવાર હતા.