અબુજા (નાઇજીરિયા) ઃ નાઇજીરિયામાં કેનેડા હાઈ કમિશન પર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં બે લોકોના મોત થયા છે. સ્થાનિક ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર નાઇજીરિયાની રાજધાની અબુજામાં કેનેડિયન હાઈ કમિશનમાં વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એફસીટી ફાયર સર્વિસના મર્સી ડગ્લાસે જણાવ્યું હતું કે, “જનરેટર બિલ્ડિંગની અંદર હતું તે ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેને કારણે જનરેટરનું સંચાલન કરતી કંપનીમાં કામ કરતા બે લોકોના મોત થયા હતા અને ઉમેર્યું હતું કે વિસ્ફોટમાં બિલ્ડિંગની બહાર બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ વિસ્ફોટનો વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં સફેદ ક્યુબ જેવી ઇમારતની પાછળથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક અગ્નિ શમન દળે આગને કાબૂમાં લીધી હતી. વિસ્ફોટને કારણે મૃત્યુ પામનારાઓ અને ઘાયલ થનારાઓ લોકોમાંથી કોઈ કેનેડિયન નાગરિકત્વ ધરાવે છે કે નહીં એ બાબતે કોઇ જાણકારી મળી નથી, પણ નાઇજીરિયાની સરકારે ગ્લોબલ અફેર્સ કેનેડાનો સંપર્ક કરીને આ ઘટના વિશે વિગતો માંગી છે. જોકે, હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી.