ભારત અને મિડલ ઇસ્ટના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી તુર્કી બાકાત, ભડકેલા એર્દોઆને ભર્યું આ પગલું
ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ કોરીડોરનો વિરોધ કરી રહેલું તુર્કી હવે એનો વિકલ્પ શોધવા માટે કેટલાય દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆન વેપાર માર્ગે તુર્કીની ભૂમિકા મજબૂત કરવા ‘ઇરાક ડેવલપમેન્ટ રોડ’ નો માર્ગ શોધી રહ્યા છે.
આ પ્રોજેક્ટ માટે તુર્કી, ઇરાક, કતાર અને સંયુક્ત આરબ અમિરાત સાથે ગંભીરપણે વાતચીત કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ઇરાકમાં ગ્રાન્ડ ફૉ બંદરગાહથી તુર્કી સુધી સામાન જશે. 17 અબજ ડોલરનો ખર્ચ આ પ્રોજેક્ટમાં થાય તેવી શક્યતાઓ છે. આ પ્રોજેક્ટ દ્વારા તુર્કીને 1200 કિમી હાઇસ્પીડ રેલથી જોડવામાં આવશે. પ્રોજેક્ટનું કામકાજ વર્ષ 2028 સુધીમાં પૂરું થાય તેવી સંભાવનાઓ છે.
ભારતમાં યોજાયેલા G-20 શિખર સંમેલન દરમિયાન IMEEC પર સંમતિ સધાઇ હતી. આ કોરીડોર ભારત, સંયુક્ત આરબ અમિરાત, સાઉદી અરબ, જોર્ડન, ઇઝરાયલ, ગ્રીસ અને યુરોપને એકસાથે વ્યાપારીક લાભ માટે જોડશે. આ દેશોને બંદરગાહ, વીજ-ડેટા નેટવર્ક અને હાઇડ્રોજન પાઇપલાઇન વડે જોડવામાં આવશે. અમેરિકા અને યુરોપીયન સંઘદેશોએ પણ આ કોરીડોરની યોજનાના વખાણ કર્યા હતા. કારણકે આ યોજનાથી ચીન દ્વારા પ્રાસ્તાવિત ‘બેલ્ટ એન્ડ રોડ ઇનીશીયેટિવ’નો પ્રભાવ ઓછો થઇ રહ્યો છે.
જો કે આ યોજનાથી તુર્કીને બાકાત રાખવામાં આવ્યું છે. જેના પર તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તુર્કી વિના કોઇ કોરીડોર શક્ય નથી. પૂર્વથી પશ્ચિમ સુધી વેપાર માટે સૌથી મહત્વનો માર્ગ તુર્કી થઇને પસાર થવો જોઇએ. જો કે તુર્કી ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઇનીશીયેટિવ’ને સમર્થન આપ્યું હતું. પ્રોજેક્ટમાં તેની ભૂમિકા સીમિત હોવા છતાં, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના એક અભ્યાસ મુજબ ચીને ‘બેલ્ટ એન્ડ રોડ ઇનીશીયેટિવ’ માટે તુર્કીમાં લગભગ 4 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કદાચ આ કારણથી IMEEC પ્રોજેક્ટમાંથી તુર્કીને બાકાત રખાયું હોય તેવું બની શકે.