એઆઈથી મહાસત્તાઓને પણ લાગી રહ્યો છે ડરઃ 18 દેશ સહમત થયા આ વાત પર કે… | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

એઆઈથી મહાસત્તાઓને પણ લાગી રહ્યો છે ડરઃ 18 દેશ સહમત થયા આ વાત પર કે…

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લીધે ટેકનોલોજીના ક્ષેત્રએ એક નવા જ યુગનો પ્રારંભ થયો છે. ભારત જેવા વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ માટે ભલે હાલમાં આ વધારે ઉપયોગી ન જણાતું હોય પણ વિશ્વના ઘણા દેશો આ ટેકનોલોજીને ઘણી સકારાત્મકતાથી જોઈ રહ્યા છે. જોકે આ ટેકનોલોજીનો વ્યાપ જેમ જેમ વધે છે તેમ તેમ તેના જોખમોનો અંદાજો આવી રહ્યો છે અને અમેરિકા યુરોપ જેવા દેશો પર એ વાત પર સહમત થયા છે કે આ ટકનોલોજીના ઘોડાને લગામ કસવી જરૂરી છે નહીંતર આફત આવશે.

આ વાતને ધ્યાનમાં લઈ અમેરિકા અને બ્રિટન સહિત એક ડઝન કરતા પણ વધારે દેશોએ રવિવારે એક આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એક અહેવાલ અનુસાર એક અમેરિકી અધિકારીએ માહિતી આપી છે કે આ કરાર એ માટે હતો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમને અપરાધી તત્વોથી સુરક્ષિત રાખવા માટે પગલાં લેવામાં આવે. તેનું ઉત્પાદન કરતી કંપનીઓએ AI સિસ્ટમની ડિઝાઈન જ એ રીતે બનાવવાની માગણી કરી છે જેથી તે સુરક્ષિત હોય અને તેનો ગેરઉપયોગ થઈ શકે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 18 દેશ 20 પેજના દસ્તાવેજ પર મત્તુ મારવા સહમત થયા છે. યુએસ અને બ્રિટન ઉપરાંત જે 18 દેશોએ નવી માર્ગદર્શિકા પર હસ્તાક્ષર કર્યા છે તેમાં જર્મની, ઇટાલી, એસ્ટોનિયા, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચિલી, ઇઝરાયેલ, નાઇજીરિયા અને સિંગાપોરનો સમાવેશ થાય છે. જોકે આમાં ભારતનું નામ નથી અને તે અંગે અહેવાલમાં કોઈ વિશેષ માહિતી આપવામાં આવી નથી.

આમાં સામેલ તમામ દેશોનો ઉદ્દેશ્ય એ છે કે AIનો દુરુપયોગ ન થવો જોઈએ અને જનતા સુરક્ષિત રહે. જો કે, કરાર બંધનકર્તા નથી અને તેમાં સામાન્ય ભલામણો છે, જેમ કે AI સિસ્ટમનું નિરીક્ષણ કરવું, ડેટાને છેડછાડથી બચાવવા અને સમયાંતરે ઓડિટ અને સોફ્ટવેર સપ્લાયર્સનું મૂલ્યાંકન કરવું.

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ યુરોપ AI-સંબંધિત નિયમોના સંદર્ભમાં યુનાઇટેડ સ્ટેટ્સ કરતા પણ આગળ છે કારણ કે ત્યાંના ધારાશાસ્ત્રીઓ AI નિયમોનો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે. ફ્રાન્સ, જર્મની અને ઇટાલીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નિયમન કેવી રીતે કરવું તે અંગે સમજૂતી કરી હતી.

સંબંધિત લેખો

Back to top button