અમેરિકામાં ટ્રમ્પની જીતથી યુરોપમાં ગભરાટ; જર્મની અને ફ્રાન્સે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: યુએસના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત (Trump won US presidential election) થઇ છે, દુનિયાભરના મોટાભાગના દેશોએ ચૂંટણીમાં જીત માટે તેમને અભિનંદન પાઠવ્યા છે. યુરોપિયન યુનિયનના લગભગ તમામ મોટા દેશોએ ટ્રમ્પના સાશન હેઠળ યુએસ સાથે સંબંધોને વધુ આગળ વધારવાની આશા વ્યક્ત કરી છે. જોકે અંદરખાને યુરોપિયન યુનિયનમાં કઇંક અલગ ચાલી રહ્યું છે, ટ્રમ્પની જીતથી યુરોપના દેશોમાં ચિંતા વ્યાપી (European union concerned about Trumps win)ગઈ છે. ફ્રાન્સ અને જર્મનીએ તો ટ્રમ્પની જીત બાદ યુરોપિયન યુનિયનને એક થવાની હાકલ કરી છે.
ફ્રાંસ અને જર્મનીના વડા ચિંતિંત:
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે (Olaf Scholz) ચૂંટણી જીત પર ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા, પરંતુ ટ્રમ્પની “અમેરિકા ફર્સ્ટ”ની ટ્રેડ પોલિસીને કારણે બંને દેશના વડા ચિંતત છે.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે એક નિવેદનમાં કહ્યું કે “યુરોપિયન યુનિયનએ એકજુટ રહેવું જોઈએ અને સંયુક્ત રીતે કાર્ય કરવું જોઈએ.” તેમણે જણાવ્યું કે તેઓ અને મેક્રોન અન્ય EU રાષ્ટ્રો અને સરકારના વડાઓ સાથે નજીકથી સંકલન કરી રહ્યા છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને X પર જણાવ્યું હતું કે બર્લિન અને પેરિસ નવા સંદર્ભમાં સંયુક્ત, મજબૂત યુરોપ માટે કામ કરશે.
આ કારણે યુરોપના દેશોમાં ચિંતા:
ઘણા યુરોપિયન અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પની જીત વિશે ચિંતિત છે, તેમના અગાઉના કાર્યકાળમાં તંગ ટ્રાન્સએટલાન્ટિક સંબંધો, નાટોની આકરી ટીકા, રશિયાના આક્રમણ સામે યુક્રેનની લડત અને ક્લાઈમેટ ચેન્જ પરના તેમના બેવડા વલણ જોવા મળ્યા હતાં.
યુરોપને સૌથી મોટી ચિંતા વેપાર પર અસર પડવાની છે. ટ્રમ્પે ગયા મહિને કહ્યું હતું કે યુરોપિયન યુનિયનને પૂરતી અમેરિકન નિકાસ નથી ખરીદી રહ્યું, જો તે ચૂંટણી જીતશે તો યુનિયનને મોટી કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું છે કે તેઓ તમામ દેશોની આયાત પર 10% ટેરિફ અને ચીનથી આયાત પર 60% ડ્યુટી લાદશે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે જો આવું થશે તો આનાથી સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેનને અસર થશે, ખર્ચમાં વધારો થશે અને ચીન યુરોપમાં તેની નિકાસ વધારશે.
યુરોપ માટે મોટી ચિંતા યુએસની વિદેશ નીતિને લગતી છે, ખાસ કરીને યુક્રેનના યુદ્ધને લગતી નીતિ અંગે. ટ્રમ્પે રશિયા સામેના યુદ્ધમાં યુએસની નીતિની ટીકા કરી હતી અને યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું, જો કે તેઓ આવું કેવી રીતે કરશે એની જાણકારી આપી ન હતી.
Also Read – ચૂંટણીમાં હાર બાદ કમલા હેરિસનું પહેલું નિવેદન, જો બાઈડેને પણ આપી પ્રતિક્રિયા
યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને જીત પર અભિનંદન આપ્યા હતા પરંતુ એમ પણ કહ્યું હતું કે ટ્રેડ વોર ટાળવીએ યુએસ તેમજ યુરોપના હિતમાં રહેશે. તેમણે કહ્યું કે “એટલાન્ટિકની બંને બાજુએ લાખો નોકરીઓ અને અબજોના વેપાર અને રોકાણ આપણા આર્થિક સંબંધોની ગતિશીલતા અને સ્થિરતા પર આધારિત છે.”
જોકે યુરોપીયન દેશોમાં એકતા જાળવવી પડકારજનક હશે, કારણ કે પાછલા વર્ષોમાં પેરિસ અને બર્લિન વચ્ચે સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખાસ કરીને ચીનની ઇલેક્ટ્રિક કાર પરના ટેરિફને અંગેના મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે.