ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ: ટ્રમ્પ સામે ફ્રાન્સ-જર્મનીએ એક થઈને મોરચો માંડ્યો

ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી: યુરોપિયન દેશોએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી…
વોશિંગ્ટન ડીસી: વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને લઈને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પ્રત્યેની રુચિ સામે યુરોપના શક્તિશાળી દેશોએ એક થઈને મોરચો માંડ્યો છે. ફ્રાન્સ, જર્મની, ઈટલી અને બ્રિટન સહિતના દેશોએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડની ધરતી વેચાણ માટે નથી. આ સંયુક્ત નિવેદન દ્વારા યુરોપે અમેરિકાને સંકેત આપ્યો છે કે ભૌગોલિક સીમાઓ અને સાર્વભૌમત્વ કોઈ વ્યાપારી સોદો હોઈ શકે નહીં.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ઈટલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિતના નેતાઓએ સંયુક્ત રીતે નિવેદન જાહેર કર્યું છે કે ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય માત્ર ત્યાંના લોકો અને ડેનમાર્ક જ કરી શકે છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનો હવાલો આપીને જણાવ્યું કે કોઈ પણ દેશની સીમાઓ અતૂટ હોય છે અને તેમાં દબાણ કે સોદાબાજીને કોઈ સ્થાન નથી. ભલે અમેરિકા નાટો (NATO)નું મહત્વનું ભાગીદાર હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તે અન્ય દેશોની જમીન પર પોતાનો દાવો કરી શકે.
આ પણ વાંચો : ટ્રમ્પ દુનિયાનો નકશો બદલીને રહેશે! ડેનમાર્કના વાંધા છતાં ગ્રીનલેન્ડ અંગે કહી આ વાત
યુરોપિયન દેશોએ આર્કટિક ક્ષેત્રની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. આથી, આર્કટિકની સુરક્ષા માટે સામૂહિક વ્યૂહરચના અપનાવવામાં આવશે અને તે નાટોના સહયોગથી જ સુનિશ્ચિત કરવામાં આવશે. યુરોપે સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારની સ્થિરતા અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈ પણ મોટો દેશ કેમ ન હોય.
જોકે આ નિવેદનમાં સીધુ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ જે રીતે ‘રિયલ એસ્ટેટ ડીલ’ જેવા શબ્દોનો સંદર્ભ અપાયો છે તે સીધો જ અમેરિકી રાષ્ટ્રપતિના જૂના નિવેદનો તરફ ઈશારો કરે છે.
યુરોપે સ્પષ્ટ સ્પષ્ટ ચીમકી આપી કે ગ્રીનલેન્ડ કોઈ મિલકત નથી કે જેને ખરીદી શકાય. ગ્રીનલેન્ડની જમીન અને તેની સરહદો બિન-વાટાઘાટપાત્ર (Non-negotiable) છે. આ ચેતવણી દર્શાવે છે કે આ મુદ્દે કોઈપણ પ્રકારનો બાહ્ય હસ્તક્ષેપ યુરોપ સ્વીકારશે નહીં.



