ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

EUએ ભારતીય નાગરિકો માટે શેંગેન વિઝાના નિયમો બદલ્યા, શું થશે લાભ? જાણો

યુરોપિયન યુનિયને મહત્વનો નિર્ણય લેતા શેંગેન વિઝા (Schengen Visa)ના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે ભારતીય નાગરિકો પણ લાંબી માન્યતા સાથે મલ્ટિપલ એન્ટ્રી શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે. યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે શેંગેન વિઝા એ વિઝા છે જે બિન-યુરોપિયન લોકોને યુરોપિયન યુનિયનના દેશોમાં મુસાફરી કરવા અને ત્યાં ટૂંકા ગાળા માટે રહેવાની મંજૂરી આપે છે. સામાન્ય રીતે, આ વિઝાની માન્યતા પ્રવેશ તારીખથી શરૂ થાય છે અને મહત્તમ 90 દિવસ સુધી ચાલે છે. જો કે, આ વિઝા હેઠળ વિદેશમાં કામ કરવાની મંજુરી આપવામાં આવતી નથી.

આ પણ વાંચો: ‘સ્વદેશ’થી મોહભંગ?: વર્ષમાં 65,000થી વધુ ભારતીય બન્યા આ દેશના નાગરિક

યુરોપિયન યુનિયન (EU) એ નવા વિઝા નિયમો તૈયાર કર્યા છે. આનાથી ભારતથી અવારનવાર યુરોપ આવતા પ્રવાસીઓ લાંબી માન્યતા સાથે મલ્ટિપલ એન્ટ્રી માટે અરજી કરી શકશે. તેનાથી 29 દેશોની મુસાફરી સરળ બનશે. યુરોપિયન યુનિયને 18 એપ્રિલે નવા નિયમો અપનાવ્યા હતા.

યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને પોતાની પોસ્ટમાં કહ્યું કે શેંગેન વિઝા વિસ્તારમાં 25 EU સભ્ય દેશો અને 4 નોન EU દેશો આઈસલેન્ડ, લિકટટેંસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. નવા નિયમો અત્યાર સુધી અમલમાં રહેલા શેંગેન વિઝા કોડના માનક નિયમો કરતાં વધુ અનુકૂળ છે.

આ પણ વાંચો: ભારતીય એરલાઇન્સ કંપનીઓએ દુબઈ માટે ફ્લાઇટ્સ રદ કરી, અહી જાણો વિગતો

ભારત માટે અપનાવવામાં આવેલા શેંગેન વિઝાના ‘કાસ્કેડ’ મુજબ, ભારતીય નાગરિકોને હવે છેલ્લા ત્રણ વર્ષમાં બે વિઝા પ્રાપ્ત કર્યા પછી અને માન્ય રીતે ઉપયોગ કર્યા પછી બે વર્ષ માટે માન્ય લાંબા ગાળાના અને મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપવામાં આવશે.

નવા EU નિયમો EU-ભારત કોમન એજન્ડા હેઠળ સંબંધોને મજબૂત કરવાના સંદર્ભમાં આવે છે. યુરોપિયન યુનિયન માટે ભાગીદાર તરીકે ભારતનું ઘણું મહત્વ છે. એટલા માટે યુરોપિયન યુનિયને આ નિર્ણય લીધો છે.

શેંગેન વિસ્તારમાં યુરોપના 29 દેશોનો સમાવેશ થાય છે. તેમાંથી 25 યુરોપિયન યુનિયન દેશો છે. બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, જર્મની, એસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવાકિયા, ફિનલેન્ડ અને સ્વીડન યુરોપિયન યુનિયનના સભ્ય દેશો છે. આ સિવાય આઈસલેન્ડ, લિકટેંસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ પણ શેંગેન વિસ્તારમાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button