ઇથોપિયામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૧૬૦નાં મોત
અદીસ અબાબાઃ આફ્રિકાના પૂર્વ-ઉત્તરમાં આવેલા ઇથોપિયામાં છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં ૧૬૦ લોકો દટાઇ ગયા હોવાના સમાચાર છે. જેમાં મોટાભાગના નાના બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું.
ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરના જણાવ્યા અનુસાર સોમવારે હાથ ધરાયેલી બચાવ કામગીરી દરમિયાન મૃત્યુઆંક ૫૫ નોંધાયો હતો. પરંતુ બચાવ કામગીરી આગળ વધતા આંકડો વધતો ગયો હતો. મંગળવારે મૃત્યુઆંક વધીને ૧૬૦ થવા પામ્યો હતો. જો કે બચાવ કામગીરી દરમિયાન ૫ લોકોને કાદવમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સાઉથ આફ્રિકામા રાજકોટના યુવાનને ચોરીના આરોપમાં કંપનીના માલિકે બનાવ્યો બંધક
કાસાહજી અબાપીનેરે વધુમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને લીધે ભૂસ્ખલનો થવા સામાન્ય છે. પરંતુ આ ભૂસ્ખલન અત્યંત ભયાનક હતું. બચી ગયેલા બાળકો તેમના માત-પિતાના મૃતદેહોને વળગીને રડી રહ્યા હતા. આ હ્રદય દ્રાવક દ્રશ્યો કંપારી ઉપજાવનાર હતા.