ઇન્ટરનેશનલ

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં AI ટેકનોલોજીની એન્ટ્રી! મનુષ્ય કરતા કેટલું ઘાતક સાબિત થઇ શકે AI, જાણો

હમાસને જડમૂળથી ખતમ કરવા માટે ઇઝરાયલ સામ, દામ, દંડ, ભેદ તમામ ઉપાયો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર બંને પક્ષે બર્બરતાના જે વીડિયો વાઇરલ થઇ રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ માણસનો અત્યાર સુધીનો સૌથી ક્રૂર ચહેરો આ હશે. જો કે હવે ઇઝરાયલે જે નિર્ણય લીધો છે, એના પરથી એવું લાગી રહ્યું છે કે હજુ ઘણા અમાનવીય કૃત્યો જોવાના બાકી છે. IDF એટલે કે ઇઝરાયલી સેનાએ હવે AIનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

ઇઝરાયલી સેના સમજી ચુકી છે કે ગાઝા પટ્ટીના ગીચ વિસ્તારમાં હમાસે જમીનમાં ઘણે ઉંડે બનાવેલી સુરંગોને શોધવી એ માનવીય ક્ષમતા માટે અઘરું સાબિત થઇ રહ્યું છે, આથી હવે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સની મદદથી સુરંગમાં છુપાયેલા હમાસના આતંકીઓ તથા વિસ્ફોટકોને શોધવામાં આવશે. IDF જે ટેકનોલોજીને વાપરી રહી છે તેને ‘હસબોરા’ એટલે કે હિબ્રુમાં ‘ગોસ્પેલ’ કહેવામાં આવે છે. આ ટેકનીકથી ઇઝરાયલી સેના આશરે 100 ટાર્ગેટ્સના ઠેકાણા મેળવી શકે છે, તેમજ કેઝ્યુઆલિટી એટલે કે મૃતકોનું પણ અનુમાન લગાવી શકે છે.

ગાઝા પટ્ટીના ગીચ વિસ્તારો અને વિવિધ વિસ્તારોમાં સુરંગોની જાળ જે પ્રકારે બિછાવેલી છે, તેની ઇઝરાયલની સેના 2 મહિના બાદ પણ ભાળ મેળવી શકી નથી. ગાઝામાં 500 કિમીના વિસ્તારમાં લગભગ 13 સુરંગો આવેલી છે, પણ આ કોઇ સામાન્ય સુરંગો નથી. કોન્ક્રિટની બનેલી આ સુરંગોમાં પાણી-વીજળી સહિત તમામ વ્યવસ્થાઓ છે. અમુક 30 મીટર ઉંડી છે તો અમુક 70 મીટર ઉંડી છે. તેનું બાંધકામ એટલું મજબૂત છે કે ઇઝરાયલની બોમ્બવર્ષાની પણ તેના પર અસર થતી નથી.


મોટેભાગે ઇઝરાયલની સેના જે AI સિસ્ટમનો ઉપયોગ કરશે તે મશીન લર્નિંગ એલ્ગોરિધમ પર જ આધારિત હશે. તેનાથી ઇઝરાયલની સેનાને મહત્વની માહિતીઓ પણ મળશે, જેમકે ડ્રોન ફૂટેજ, સર્વેલન્સ ડેટા, કોમ્યુનિકેશન સિગ્નલ ડેટા વગેરે. આમ, હવે આ યુદ્ધ માણસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, હવે આ માણસ વિરુદ્ધ મશીનનું યુદ્ધ બની રહ્યું છે.

લંડન સ્થિત કંપની એરવોર્સનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટને નષ્ટ કરવામાં આ ટેકનોલોજીનો વપરાશ થયો હતો. ફક્ત આતંકવાદીઓ જ નહિ, અનેક નિર્દોષ નાગરિકો પણ એમાં મોતને ભેટ્યા હતા, કારણકે મશીનમાં ખામી સર્જાય તો તે ભ્રામક માહિતી પણ આપી શકે છે. અંતે તો યુદ્ધમાં નિર્દોષોનો જ ભોગ લેવાતો હોય છે.

ઇઝરાયલી સેનાના આ પ્રયોગથી અન્ય દેશની સેના પણ તેમના સૈન્યબળમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રેરાશે, જો કે સવાલ એ છે કે યુદ્ધમાં ક્રૂરતા આચરવામાં માણસજાતે કંઇ જ બાકી નથી રાખ્યું, ત્યારે જ્યારે યુદ્ધ મશીનોને હવાલે થશે ત્યારે કેટલાય નિર્દોષોની ખુવારી થશે? અમેરિકાએ પહેલેથી જ તેમના લશ્કરમાં AIને સામેલ કરી દીધું છે. અમેરિકા સિવાય ચીન પણ આ ટેકનોલોજી પાછળ અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. રશિયન મિલિટ્રી પાસે રોબોટિક કોમ્બેટ સિસ્ટમ છે. ભારત પણ હવે આમાં પગરણ માંડી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો