નિજ્જર ‘નો ફ્લાય ઝોન’માં હોવા છતાં કેનેડામાં મળી હતી એન્ટ્રી, ટ્રુડોના આ અંગત માણસે કરી હતી મદદ
ભારતીય ગુપ્ત એજન્સીઓના કેટલાક સુત્રો મુજબ કેનેડામાં પોતાનું નેટવર્ક સ્થાપિત કરવામાં મૃત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નજીકના ગણાતા સુખ ધાલિવાલનું લાંબા સમયથી સમર્થન પ્રાપ્ત હતું તેવી વિગતો મળી આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ નિજ્જર ‘નો ફ્લાય ઝોન’માં હતા પરંતુ તેમ છતાં ધાલિવાલ તેમના માટે કાયમી રહેઠાણની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યા હતા. આ જ સુખ ધાલીવાલને કેનેડામાં ઇમિગ્રેશન કમિટીના ચેર પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિજ્જરને આ મદદ તેમને શીખ સમર્થન અને આઇએસઆઇ સાથે તેની ઘનિષ્ઠતા જોઇને કરવામાં આવી હતી. નિજ્જર બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુદ્વારામાં આશરો લઇ રહ્યો હતો જ્યાં 18 જૂનના રોજ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
સરે પણ ધાલીવાલનો જ મતવિસ્તાર છે. ભારતે નિજ્જરને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. તેની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેઇન પોલીસના એકીકૃત માનવ હત્યા તપાસ દળ દ્વારા થઇ રહી છે.
ઈન્ટેલિજન્સના સૂત્રોનું કહેવું છે કે નિજ્જર ઈમિગ્રેશન રેકેટ ચલાવતો હતો, જેના હેઠળ લોકોને કેનેડા લાવવામાં આવતા હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરાતા હતા. નિજ્જરને કથિત રીતે ધાલીવાલનો ટેકો હતો અને રેકેટ દ્વારા કમાયેલા પૈસા બંને વચ્ચે વહેંચી લેતા હતા.
લગભગ ચાર મહિના પહેલા જસ્ટિન ટ્રુડો પાકિસ્તાનના પ્રવાસે હતા ત્યારે તેમની લાહોરની મુલાકાત દરમિયાન દરેક જગ્યાએ લિબરલ પાર્ટીના સાંસદ ધાલીવાલના પોસ્ટરો જોવા મળ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં જ ધાલીવાલ અને ટ્રુડો બંનેના ઘટતા રેન્કિંગને વધારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ઉપરાંત 2010માં લિબરલ સાંસદો ધાલીવાલ અને એન્ડ્રુ કાનિયાએ કેનેડાની હાઉસ ઓફ કોમન્સમાં એક પિટિશન રજૂ કરી હતી જેમાં ભારતમાં 1984ના શીખ રમખાણોને નરસંહાર તરીકે માન્યતા આપવાની રજૂઆત કરાઇ હતી.