ઇન્ટરનેશનલ

લંડનના હીથ્રો એરપોર્ટ પર ભાષા વિવાદ: ભારતીયોને ડિપોર્ટ કરવાની માંગ, જાણો શું છે મામલો

લંડન: મહારાષ્ટ્રમાં હાલ મરાઠી ભાષા વિવાદ વકરેલો છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના(MNS) કાર્યકર્તાઓએ મુંબઈમાં મરાઠી ન બોલતા લોકો સાથે મારપીટ કરી હતી અને કેટલીક દુકાનોમાં તોડફોડ પણ કરી હતી. MNSએ મરાઠી ન બોલતા લોકોને મહારાષ્ટ્ર છોડી દેવાની પણ ધમકી આપી હતી, આ મુદ્દે શિવસેના (ઉદ્ધવ જુથ)એ પણ MNSને સાથ આપ્યો છે. હાલ પ્રાંતવાદ અને ભાષાવાદ મુદ્દે રાષ્ટ્રીયસ્તરે ચર્ચા છેડાઈ છે, એવામાં લંડનના હિથ્રો એરપોર્ટ પર બનેલી બનેલી એક ઘટનાને કારણે અંગ્રેજી ન બોલતા ભારતીયોને યુકેમાંથી ડિપોર્ટ કરવાની માંગ ઉઠી છે.

એક બ્રિટિશ મહિલાએ લંડનના હીથ્રો એરપોર્ટ પર તૈનાત ભારતીય અને એશિયન સ્ટાફમેમ્બર્સ અંગ્રેજી ન બોલતા હોવાનો આરોપ લાગાવ્યો છે. લ્યુસી વ્હાઇટ નામની બ્રિટીશ મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે હીથ્રો એરપોર્ટ પર મોટાભાગનો સ્ટાફ ભારતીય અથવા એશિયન છે અને તેઓ અંગ્રેજી ભાષાનો એક શબ્દ પણ બોલતા નથી. તેણે અંગ્રેજી ન બોલતા લોકોને ડિપોર્ટ કરવાની માંગ કરી. લ્યુસી પોતાને પબ્લિક પોલિસીના નિષ્ણાત ગણાવે છે, તેની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વંશવાદ અને ભાષાવાદ અંગે ચર્ચા શરુ થઇ છે.

‘બધાને દેશનિકાલ કરવા જોઈએ’
લ્યુસી વ્હાઇટ X પરની એક પોસ્ટમાં લખ્યું, ‘હું હમણાં જ લંડન હીથ્રો પહોંચી છું. મોટાભાગના સ્ટાફ ભારતીય અથવા એશિયન છે અને અંગ્રેજીનો એક શબ્દ પણ બોલતા નથી, મેં તેમને અંગ્રેજી બોલવા કહ્યું, તેમણે મને કહ્યું “તમે રેસિસ્ટ છો”, તેઓ જાણતા હતા કે હું સાચી છું, એટલા માટે તેમને વંશવાદનો મુદ્દો ઉખેડ્યો. એ બધાને દેશનિકાલ કરવા જોઈએ. યુકેના એન્ટ્રી પોઈન્ટ પર તેઓ કેમ કામ કરી રહ્યા છે? ટુરિસ્ટ શું વિચારશે…”

સોશિયલ મીડિયા પર ચર્ચા:
નોંધનીય છે કે ઇંગ્લેન્ડમાં સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત ભાષા અંગ્રેજી છે, ત્યારે ઈમિગ્રન્ટ્સ એવી આશા ના રાખી રાખી શકે કે ત્યાંના નાગરીકો અંગ્રેજી સિવાય કોઈ અન્ય ભાષામાં જ તેમની સાથે વાત કરે, ખાસ કરીને એરપોર્ટ જેવા સ્થળે જ્યાં દુનિયાભરના લોકો આવતા હોય છે. એવામાં એરપોર્ટ સ્ટાફ અગ્રેજી ના બોલે એ બ્રિટીશ નાગરિક સ્વીકારી ન શકે એ સહજ છે. જો કે બ્રિટીશ મહિલાના દાવાની ખરાઈ અંગે સવાલો ઉઠી રહ્યા છે.

બ્રિટીશ મહિલાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઇ છે, કેટલાક તેમના સમર્થનમાં આવ્યા તો કેટલાકે તેની દલીલો નકારી કાઢી. કેટલાક યુઝર્સ તેની ટિપ્પણીઓને “વંશવાદી” અને “અજ્ઞાની” ગણાવી રહ્યા છે.

હિથ્રો પર અંગ્રેજ સ્ટાફ જ નથી મળતો:
ઘણા લોકોએ હિથ્રો એરપોર્ટ પર પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે હીથ્રો ખાતે ભાગ્યે જ અંગ્રેજી સ્ટાફને જોવા મળે છે. એક યુઝ કમેન્ટ કરી, “છેલ્લી વખતે જ્યારે હું હીથ્રો ગયો હતો, ત્યારે બે કલાકથી વધુ સમય સુધી મને એક પણ અંગ્રેજ વ્યક્તિ ન મળ્યો. એરપોર્ટ પર દરેક વ્યક્તિ દક્ષિણ એશિયન અથવા આફ્રિકન હતો. ઉબેર ડ્રાઈવર રોમાનિયન હતો.”

મહિલાના દાવાનું ખંડન:
અન્ય એક યુઝરે લ્યુસીના દાવાને નકારી કાઢતા લખ્યું, “તેઓ બ્રિટિશ અંગ્રેજી બોલે છે, તમે ભૂલથી વિચાર્યું હશે કે તેઓ તમારું અંગ્રેજી (બ્રિટીશ ઈંગ્લીશ) નથી બોલતા. હું હમણાં જ લંડનથી પાછો આવ્યો છું અને તમે જે રીતે અંગ્રેજી ભાષાનું વર્ણન કર્યું છે તે રીતે મને કોઈ સમસ્યાનો અનુભવ થયો નથી.”

એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “આ સંપૂર્ણપણે ખોટું છે. હા, હીથ્રોમાં ઘણા બધા સ્ટાફ એશિયન છે, તેઓ બધા અંગ્રેજી બોલે છે. તમારાથી વિપરીત, તેઓ અતિ મદદરૂપ અને મૈત્રીપૂર્ણ સ્વભાવના પણ છે. ખોટી વાતો બનાવવાનું બંધ કરો.”

એક યુઝરે લખ્યું, “બ્રિટિશ સ્થાનિક લોકો આ નોકરીઓ માટે માટે અપ્લાય કરી રહ્યા નથી, તેથી જ ભારતીયો અને એશિયનો ત્યાં કામ છે.આ વાત સ્વીકારો – તે એક હકીકત છે,”

આપણ વાંચો:  ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારતની ચિંતા વધારશે! ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપી ચેતવણી

લ્યુસી વ્હાઇટના દલીલનો વિરોધ કરતા, એક યુઝરે લાંબી કમેન્ટમમાં તેને યાદ અપાવ્યું કે બ્રિટનનું અર્થતંત્ર ઇમિગ્રન્ટ લેબર પર ચાલે છે, ખાસ કરીને હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં, જ્યાં વંશીય લઘુમતીઓ એવી નોકરીઓ કરે જેના માટે સ્થાનિક લોકો કરવા તૈયાર નથી.

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો કેમાં એક અમેરિકન વ્યક્તિનો ભારતીય મૂળના વ્યક્તિ સાથે જાહેરમાં ગેરવર્તન કરી રહ્યો છે. વાયરલ ક્લિપમાં, અમેરિકન વ્યક્તિએ તેને “બ્રાઉન” કહી તેના દેશમાં પાછા જવા કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button