ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષનો અંત: ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોના પરિણામે ગાઝામાં બે વર્ષ બાદ યુદ્ધવિરામ…

ગાઝા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને ભલે શાંતિનો નોબલ પ્રાઈઝ ન મળ્યો. પરંતુ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં તેમના શાંતિ સ્થાપવાના નિયમો કારગર નીવડ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના કરાર હસ્તાક્ષર થયા બાદ હવે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પોતાના હુમલા અટકાવી દીધા છે.
ગાઝા પટ્ટીમાં થયો યુદ્ધવિરામ
છેલ્લા બે વર્ષથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષનો આજે અંત આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના 20-મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર આધારિત યુદ્ધવિરામ કરાર ગાઝામાં સ્થાનિક સમય મુજબ બપોરથી અમલમાં આવ્યો છે. ઇઝરાયલી સૈન્ય (IDF) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
IDF એ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “યુદ્ધવિરામ કરાર 12:00 વાગ્યે અમલમાં આવ્યો. 12:00 વાગ્યાથી શરૂ કરીને, IDF સૈનિકોએ યુદ્ધવિરામ કરાર અને બંધકોના પરત ફરવાની તૈયારી માટે અપડેટેડ ડિપ્લોયમેન્ટ લાઇન પર તૈનાત થઈ રહીં છે. સધર્ન કમાન્ડમાં IDF સૈનિકો આ વિસ્તારમાં તૈનાત છે અને કોઈપણ તાત્કાલિક ખતરાને દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

7 ઓક્ટોબર, 2023 થી ચાલી રહેલા સંઘર્ષમાં હિંસા અને માનવતાવાદી કટોકટીમાં વધારો થયા બાદ આ કરારને શાંતિ તરફનું એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. જોકે, કરાર અમલમાં આવ્યો તે પહેલાં અને અમલ દરમિયાન પણ ઉત્તરી ગાઝામાં ભારે ગોળીબાર થયો હોવાના અહેવાલો પણ આવ્યા હતા. આજે સવારે પેલેસ્ટિનિયનોએ ભારે ગોળીબારની જાણ કરી હતી, જેના કારણે પેલેસ્ટિનિયનોએ ઇઝરાયલ પર યુદ્ધવિરામ કરાર છતાં સંઘર્ષ ચાલુ રાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
બંધકો અને કેદીઓની થશે આપ-લે
યુદ્ધવિરામ કરારનો એક મુખ્ય ભાગ ઇઝરાયલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓની પરસ્પર મુક્તિની સંમતિ છે. ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે તે કરારના તમામ પાસાઓનું પાલન કરશે અને આશા છે કે આ કરાર પરિસ્થિતિને શાંત કરશે. જોકે, હમાસ દ્વારા ઇઝરાયલ સાથેના કરારના ભાગરૂપે પેલેસ્ટિનિયન નેતા મારવાન બરઘૌતીની મુક્તિની માંગ કરવામાં આવી હતી. પરંતુ ઇઝરાયલી પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે “બરઘૌતી આ મુક્તિનો ભાગ રહેશે નહીં.”
આ પણ વાંચો…ગાઝા અને ઇઝરાયલ વચ્ચે 24 કલાકમાં યુદ્ધવિરામ થશે, પણ હમાસના લીડરને નહીં છોડે