X એ અહિયાં બંધ કર્યું કામકાજ, Elon Musk એ કર્મચારીઓની સલામતીને લઈને લીધો નિર્ણય
બ્રાઝિલ : માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એલોન મસ્કે ( Elon Musk) ચાર્જ સંભાળ્યા બાદ વધુ લોકપ્રિય બન્યું છે. જ્યારથી મસ્ક X ના માલિક બન્યા છે, ત્યારથી આ પ્લેટફોર્મ કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. હવે મસ્કે એક દેશમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. મસ્કના આ નિર્ણય બાદ એક્સ ફરી હેડલાઇન્સમાં છે.
ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી
એલોન મસ્કે બ્રાઝિલમાં એક્સના ઓપરેશન પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડર ડી મોરેસે સેન્સરશિપનો આદેશ આપ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીનો દાવો છે કે જજ મોરેસ X ના કાનૂની પ્રતિનિધિ પર માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પરથી કેટલીક સામગ્રી દૂર કરવા દબાણ કરી રહ્યા હતા. આટલું જ નહીં, જો તે આમ નહીં કરે તો તેની ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.
બ્રાઝિલમાં તેની કામગીરી બંધ કરી દીધી છે
હવે Xની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સમગ્ર મામલાની માહિતી આપી છે. કંપનીએ પોસ્ટ કર્યું કે તે તેના સ્ટાફની સુરક્ષા માટે બ્રાઝિલમાં તેની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લઈ રહી છે. પોસ્ટ અનુસાર કંપનીએ માત્ર બ્રાઝિલમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. X સેવાઓ હજુ પણ દેશમાં ચાલુ રહેશે.
પોસ્ટમાં મોરેસનો પણ ઉલ્લેખ કર્યો
આ સમગ્ર મામલો કંપનીના માલિક એલોન મસ્ક દ્વારા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે બ્રાઝિલમાં Xની ઓફિસ બંધ કરવી ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. એલોન મસ્કની આ પોસ્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે જજ મોરેસ ગુપ્ત સેન્સરશીપ અને અંગત માહિતી આપવા માટે X પર કેટલું દબાણ કરી રહ્યા હતા. મસ્કે તેની પોસ્ટમાં મોરેસનો પણ ઉલ્લેખ કર્યો છે.
કર્મચારીઓને સામગ્રીને દૂર કરવાનો અથવા બ્લોક કરવાનો અધિકાર નથી
એક્સ અનુસાર, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં કંપનીના કોઈપણ કેસની સુનાવણી થઈ ન હતી. આટલું જ નહીં, બ્રાઝિલિયન યુઝર્સને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. કંપનીએ જજ મોરેસ પર આરોપ મૂક્યો હતો કે તેમને ખબર હોવી જોઈએ કે બ્રાઝિલ સ્થિત X કર્મચારીઓને પ્લેટફોર્મ પરથી સામગ્રીને દૂર કરવાનો અથવા બ્લોક કરવાનો અધિકાર નથી તેમ છતાં કર્મચારીઓને કાનૂની કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી.