ઈલોન મસ્ક ભારતીય બિઝનેસ લીડર્સને મળ્યા, ભારત-યુએસ સંબંધ અંગે કહી મહત્વની વાત…
બ્રાઉન્સવિલે: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ હતી, આવતી કાલે 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળશે. ટ્રમ્પ સરકારમાં અમેરિકન બિલીયોર ઈલોન મસ્ક મહત્વની ભૂમિકા ભજવે એવી શકયતા છે. ટ્રમ્પના શપથગ્રહણ સમારોહ પહેલા મસ્ક ટેક્સાસમાં SpaceX Starbase ખાતે ઈન્ડિયન ગ્લોબલ ફોરમના ભાગ રૂપે ભારતીય ઉદ્યોગપતિઓને (Elon Musk meet Indian Business Leaders) મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન મસ્કે બંને દેશો વચ્ચે ટેકનોલોજી, સ્પેસ સાયન્સ જેવા ક્ષેત્રોમાં પાર્ટનરશીપ અને AI ઇનોવેશન અંગે વિગતવાર ચર્ચા કરી.
ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વાતચીત દરમિયાન ઈલોન મસ્કે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ‘પોઝીટીવ રીતે ટ્રેન્ડિંગ’ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધો ઝડપથી વધે.
અવરોધો ઘટાડવાના પક્ષમાં:
ઇન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) ના બેનર હેઠળ ભારતીય બિઝનેસ લીડર્સે સ્પેસએક્સની નવી સ્પેસ રીસર્ચ ફેસિલિટીની મુલાકાત લીધી અને સ્ટારશિપ ફ્લાઇટ 7 ના પ્રક્ષેપણને નિહાળ્યું. ભારતીય ઉદ્યોગસાહસિકોએ સાથે વાતચીત દરમિયાન ઈલોન મસ્કે કહ્યું કે તેઓ અમેરિકા અને ભારત વચ્ચે સહયોગ વધારવાના પક્ષમાં છે, ખાસ કરીને ટેકનોલોજી અને અવકાશ સંશોધનના ક્ષેત્રોમાં. હું અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વધારવા માટે અવરોધો ઘટાડવાના પક્ષમાં છું.
આ ભારતીય ઉદ્યોગપતિઓ હાજર રહ્યા:
સ્પેસએક્સની ઓફિસની મુલાકાત લેનારા ભારતીય પ્રતિનિધિમંડળમાં એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયા, કોટકના જય કોટક, ઇનોવ8 અને ઓયોના ફાઉન્ડર રિતેશ મલિક, ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ રાણા, આદિત્ય બિરલા મેનેજમેન્ટના આર્યમાન બિરલાનો સમાવેશ થાય છે. આ બધા પ્રતિનિધિઓએ મસ્ક સાથે બેસીને ટેકનોલોજી ક્ષેત્રને લગતા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.
મસ્કે ભારતીય સંસ્કૃતિની પ્રસંશા કરી:
મસ્કે કહ્યું કે ભારત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને ભારત તેની વિવિધતામાં મહાન છે.
ઈન્ડિયા ગ્લોબલ ફોરમનો હેતુ:
ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક મનોજ લાડવાએ કહ્યું, ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં અમારું મિશન આપણા સમયના પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક લીડર્સ અને ઇનોવેશનને એકસાથે લાવવાનું છે…જે એક તક પૂરી પાડે છે, અને આ બેઠક એક મજબુત ભાગીદારીની સંભાવનાનું એક પ્રતીક છે.’
આ પણ વાંચો : આ મેક્સિકન નાગરિકે લોસ એન્જલસમાં આગ લગાવી! પોલીસે કરી ધરપકડ
ટ્રમ્પની શપથવિધિ:
ડોનાલ્ડ ટ્રમ્પ આવતી કાલે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. 20મી જાન્યુઆરીએ અમેરિકાના સમય મુજબ બપોરે 12 વાગ્યે, મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ ટ્રમ્પને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવશે.