ટ્ર્મ્પના શપથ ગ્રહણમાં મસ્કના આવા વર્તાવથી હંગામો મચી ગયો
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકા અને વિદેશની અનેક મહત્વની હસ્તીઓ સામેલ થઈ હતી. પરંતુ તેમના શપથ ગ્રહણ સમારોહમાં એક વાત ઘણી આંખે ઉડીને ઓળખતી હતી તે હતી અબજોપતિ એલોન મસ્કના હાવ ભાવ. તેમના હાવભાવને કારણે સોશિયલ મીડિયા પર ઘણો હંગામો મચી ગયો છે. અબજોપતિ એલોન મસ્કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાવભાવ દ્વારા વિવાદ ઉભો કર્યો હતો. કેટલાક લોકોએ તેમના હાવભાવને ફાસીવાદી અને નાઝી ચળવળ સાથે જોડ્યા હતા. સ્પેસ એક્સ અને ટેસ્લાના વડા એલોન માસ્ક વોશિંગ્ટનના કેપિટલ વન અરેના ખાતે સ્ટેજ પર જોવા મળ્યા હતા. ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં પાછા લાવવા માટે તેમણે એકત્ર થયેલા લોકોનો આભાર માન્યો હતો. એ સમયે મસ્કે તેમના જમણા હાથથી તેમની છાતીની ડાબી બાજુને થપથપાવી અને પછી તેમની હથેળીઓ ખોલીને તેની પાછળના લોકો તરફ તે જ હાવભાવનું પુનરાવર્તન કર્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં નાઝીવાદમાં વિશેષતા ધરાવતા ઇતિહાસકાર ક્લેર ઓબીને મસ્કના હાવભાવને નાઝી સલામ તરીકે વર્ણવ્યા હતા. હિટલરના ફાસીવાદના ઇતિહાસકાર રુથ બેન ઘિયાટે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આ તો નાઝી સલામ છે.
એલોન મસ્કના આવા હાવભાવવાળા વીડિયોથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. ઇતિહાસકારો અને સોશિયલ મીડિયા યુઝર્સ તેમની સલામીની તુલના નાઝી સલામ સાથે કરી રહ્યા છે.
Also read: ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રાજદ્વારીઓએ રાજીનામાં આપ્યા
જોકે, ઘણા લોકો એલોન મસ્કના સમર્થનમાં આગળ પણ આવ્યા છે. એક યુઝરે જણાવ્યું હતું કે ગયા વર્ષએ જ મસ્ક હોલોકોસ્ટ અને યહુદી ઇતિહાસ વિશે જાણવા માટે ઓશવિટ્સ અને પછી ઇઝરાયલ ગયા હતા. આટલી વાત માટે તેમની સલામીને નાઝી ચળવળ સાથે જોડવી ખોટી અને જનતાને ગેરમાર્ગે દોરવા જેવી વાત છે.અન્ય કેટલાક લોકોએ મસ્કનું સમર્થન કરતા કહ્યું હતું કે આ દંભી મીડિયાનો ખેલ છે. કમલા હેરિસે પણ આવા હાવભાવ કર્યા હતા.
નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધમાં પોલેન્ડ પર કબજો કર્યા બાદ નાઝી જર્મનીએ બાંધેલા ઓશવિટ્સના કેમ્પમાં 10 લાખથી વધુ યહુદી લોકો માર્યા ગયા હતા. દરમિયાન અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પ્રમુખપદની જવાબદારીઓ સંભાળી લીધી હતી અને એમણે જો બાઇડેન શાસનના ઘણા નિર્ણયો પલટાવ્યા હતા. તેમણે લગભગ 78 એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યા હતા.