ઇન્ટરનેશનલનેશનલ

ઇરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આઠ પાકિસ્તાનીઓની હત્યા

ઇસ્લામાબાદઃ ઇરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ આતંકવાદીઓએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આઠ કામદારોની હત્યા કરી હતી. આ માહિતી રવિવારે મીડિયા અહેવાલોમાં સામે આવી હતી.

મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે મેહરિસ્તાન જિલ્લાના એક ગામમાં બની હતી. ઇરાની અધિકારીઓએ પાકિસ્તાની નાગરિકોની હત્યાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે પીડિતો બહાવલપુરના રહેવાસી હતા અને કાર રિપેરિંગની દુકાનમાં કામ કરતા હતા.

ઇરાની અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા તમામ આઠ પાકિસ્તાનીઓ દક્ષિણ પંજાબના બહાવલપુર શહેરના હતા. તેઓ એ વર્કશોપમાં રહેતા હતા જ્યાં તે કારનું ડેન્ટિંગ, પોલિશિંગ, પેઇન્ટિંગ અને રિપેરિંગનું કામ કરતા હતા.

આપણ વાંચો: Video: આતંકવાદીઓએ આ રીતે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી; BLAએ વિડીયો શેર કર્યો

અહેવાલો અનુસાર અજાણ્યા સશસ્ત્ર લોકોએ રાત્રે વર્કશોપમાં ઘૂસીને તેમના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને હત્યા કરી નાખી હતી. હુમલાખોરો આઠ પાકિસ્તાની કર્મચારીઓની હત્યા કરીને ભાગી ગયા હતા. આ દુઃખદ ઘટનાની માહિતી મળ્યા બાદ ઇરાનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પ્રતિબંધિત બલુચિસ્તાન નેશનલ આર્મી(બીએનએ)ના પ્રવક્તાએ મીડિયાને આપેલા નિવેદનમાં આઠ પાકિસ્તાનીઓની હત્યાની જવાબદારી લીધી છે. ઇરાની અધિકારીઓએ કહ્યું છે કે ઇરાની પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

સિસ્તાન બલુચિસ્તાનમાં આ બીજી ઘટના હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં બંદૂકધારીઓએ સરવન શહેરમાં નવ પાકિસ્તાનીઓની હત્યા કરી હતી. જેઓ ઇરાનમાં મોટર મિકેનિક તરીકે કામ કરતા હતા અને એક વર્કશોપમાં રહેતા હતા. પાકિસ્તાન અને ઇરાનના સ્થાનિક જૂથો બલુચિસ્તાનમાં વધુ સ્વાયત્તતા માટે દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષનો ભાગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button