ગાઝા શાંતિ સંમેલન માટે વડાપ્રધાન મોદીને મળ્યું આમંત્રણ; આ નેતાઓ રહેશે હાજર

બે વર્ષથી ગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારનો હાલ પુરતો બંધ થયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને હમાસના નેતાઓ યુદ્ધ વિરામ કરાર પર સહમત થયા છે. ટ્રમ્પ દ્વારા રજુ કરવામાં આવેલી ગાઝા શાંતિ યોજના પર હસ્તાક્ષર માટે ઇજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં 13મી ઓકટોબરના રોજ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વીસ દેશના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. અહેવાલ મુજબ આ સમારોહમાં હાજરી આપવા બદલ ભારતના નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ભારતે પહેલાથી જ જાહેરાત કરી છે કે શર્મ અલ-શેખમાં આયોજિત હસ્તાક્ષર સમારોહમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ હાજરી આપશે, તે સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અહેવાલ મુજબ ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફરાહ અલ-સિસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તાક્ષર સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વડાપ્રધાન મોદી ઈજીપ્ત જશે કે નહીં.
આ નેતાઓ હાજરી આપશે:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ અલ-સિસીની સહ-અધ્યક્ષતામાં યોજાનારી આ સમિટમાં 20 થી વધુ દેશોના નેતાઓ ભાગ લેશે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જેવ નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે.
ભારત શાંતિના પક્ષમાં:
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના મિત્ર દેશો છે, ભારતે સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઇનની સ્થાપનાને સમર્થન આપ્યું છે. ઇઝરાયલ વર્ષોથી ભારતનો વિશ્વસનીય ભાગીદાર રહ્યો છે. ભારતે સતત બંને પક્ષને યુદ્ધ સમાપ્ત કરવા અને મતભેદો રાજ્દ્વારીય રીતે ઉકેલવા હિમાયત કરી છે.
ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20-મુદ્દાની ગઝ શાંતિ યોજના રજુ કરી છે, જેમાં યુદ્ધવિરામ કરવા, સૈનિકો પાછા ખેંચવા, બંધકોને મુક્ત કરવા અને કાયમી શાંતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પની શાંતિ યોજના મુજબ, ઇઝરાયલ અને હમાસ બંનેએ લડાઈ બંધ કરવી પડશે. ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલે સૈન્ય પાછું ખેંચવું પડશે. બંને પક્ષોએ કેદીઓ અને બંધકોને મુક્ત કરવા પડશે.
પ્રસ્તાવનો સ્વીકાર થશે?
આ પ્રસ્તાવમાં પેલેસ્ટાઇન સ્ટેટની સ્થાપનાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જોકે ઇઝરાયેલ આ શરત સ્વીકારવા તૈયાર નથી. હમાસે પણ ટ્રમ્પની યોજના સામે વાંધા ઉઠાવ્યા છે. હમાસના નેતાઓએ સ્પષ્ટ પણે કહ્યું છે કે તે શસ્ત્રો હેઠા નહીં મુકે અને હમાસ ગાઝા પણ નહીં છોડે. ત્યારે ગાઝામાં શાંતિ કેટલો સમય ટકશે એ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો : અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી પર ભાજપનો પ્રહારઃ ચૂંટણી જાહેર થઈ હવે તો આવો