નેપાળમાં આજે વહેલી સવારે ફરી ૩.6 તીવ્રતાનો ભૂકંપ, 36 કલાકમાં ત્રીજી વાર ધરતી ધ્રુજી

નવી દિલ્હી: નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે, પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં રવિવારે સવારે નેપાળમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે નેપાળમાં રવિવારે સવારે 4:38 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્ર કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું. શુક્રવાર મોડી રાત્રે આવેલા ભૂકંપ બાદ આ ત્રીજી વાર ધરતી ધ્રુજી હતી.
નેપાળમાં શુક્રવારે રાત્રે 11.47 કલાકે આવેલા ભૂકંપના કારણે 157 લોકોના મોત થયા છે, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ અસર પશ્ચિમ નેપાળના જાજરકોટ અને રૂકુમ જિલ્લામાં થઇ છે. અહેવાલ છે કે શુક્રવારે રાત્રે ભૂકંપના પ્રારંભિક આંચકા બાદ પશ્ચિમ નેપાળમાં 159 આંચકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ પછી શનિવારે બપોરે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વારંવારના ભૂકંપના કારણે નેપાળના લોકો ભયમાં પડછાયા નીચે જીવી રહ્યા છે. ગયા મહિને પણ નેપાળમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
શનિવારે નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો આંકલન કર્યું હતું. સરકારે નેપાળ આર્મી, નેપાળી ગાર્ડ અને સશસ્ત્ર પોલીસ દળોને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવા માટે તૈનાત કર્યા છે. નજીકના જિલ્લાઓમાંથી આવશ્યક તબીબી પુરવઠા સાથે આરોગ્ય કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.