મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપ ના જોરદાર આંચકા, લોકોમાં ગભરાટ

નેયપીડો: આજે ગુરુવારે વહેલી મ્યાનમારની ધરતી કંપી ઉઠી હતી. રિક્ટર સ્કેલ 4.1ની તીવ્રતાનાં આંચકા અનુભવતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકોને માર્ચ મહિનામાં આવેલા વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે 6.10 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હતું, જેના કારણે આફ્ટરશોક્સ આવવાની શક્યતા વધુ છે.
NCS મુજબ, ઓછી ઊંડાઈએ આવતા ધરતીકંપો સામાન્ય રીતે વધુ ઊંડાઈ એ આવતા ધરતીકંપો કરતાં વધુ વિનાશક સાબિત થાય છે. ઓછી ઊંડાઈ એ આવતા ધરતીકંપોમાંથી ઉદ્ભવતા ભૂકંપના તરંગોને સપાટી સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવાનું રહે છે, જેના કારણે જમીન પર વધુ કંપન થાય છે અને ઈમારતોને વધુ નુકસાન થવાની સંભાવના રહે છે.
આ વર્ષે 28 માર્ચના રોજ મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં 3500 થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. ભૂકંપનું કેન્દ્ર મંડલે અને સાગેંગ શહેરોની સરહદ પર જમીનમાં 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપને કારણે ઇમારતો, રસ્તાઓ અને રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું હતું. આ ભૂકંપને કારણે થાઈલેન્ડમાં પણ ઘણું નુકસાન થયું હતું.
આ પહેલા 1 જુલાઈના રોજ 135 કિમીની ઊંડાઈએ રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5. 2ની તીવ્રતા